Gujarat Weather: રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ઠંડીનો ચમકારો, ખેતીના પાકને નુકસાનનો ડર
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઘણી જગ્યાએ આજે વરસાદ પડ્યો છે. વલસાડના ઘણા વિસ્તારોમાં આજે સવારે છૂટોછવાયો હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેતીના પાકોમાં નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.

સમગ્ર ગુજરાતમાં હાલમાં શીત લહેરનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં ઠંડા પવનોના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડી અને ધૂમ્મસની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં 9.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા આજે પણ પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.5 નોંધવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, ડીસામાં 12.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, દ્વારકામાં 15.6 ડિગ્રી, પોરબંદરમાં 18 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.5 ડિગ્રી અને દીવમાં 16.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 25.9 ડિગ્રી, ડીસામાં 26.9 ડિગ્રી, ગાંધીનગરમાં 25.8 ડિગ્રી, વડોદરામાં 28.8 ડિગ્રી, સુરતમાં 31.2 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 27.1 ડિગ્રી, દ્વારકામાં 27 ડિગ્રી, પોરબંદરમાં 30.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 27.3 ડિગ્રી અને દીવમાં 30.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
