ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી, આ તારીખોમાં આવી શકે વરસાદ
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જોકે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ઠંડીનું જોર ધીમું પડ્યું હતું. માવઠાની શક્યતાઓ અને ભેજવાળા વાતાવરણને કારણે શિયાળો જાણે વિલંબમાં પડ્યો હોય તેવું લાગતું હતું. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવતા સમગ્ર રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્યથી નીચે રહેશે, જેના પરિણામે ત્યાં કડકડતી ઠંડી અનુભવાશે. બીજી તરફ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે.
હવામાન વિભાગે આગામી મહિનાઓ માટે શીતલહેર અને કડકડતી ઠંડીની આગાહી કરી છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી અનુભવાશે. મધ્ય પ્રદેશ, ઉત્તર-પૂર્વ મહારાષ્ટ્ર, ગુજરાતના કેટલાક ભાગો, પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વીય રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં શીતલહેરનો પ્રકોપ જોવા મળશે.
દરમિયાન, રાજસ્થાન પર સક્રિય થયેલી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાતના હવામાનમાં પલટો લાવી શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ, ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની સંભાવના છે. ત્યારબાદ ડિસેમ્બરના મધ્યભાગમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહીઓ કરી છે. તેમના મતે, ૪ થી ૮ ડિસેમ્બરની વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ ગુજરાત પર અસર કરશે, જેના પરિણામે ૫ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની સંભાવના છે. ૧૮ થી ૨૪ ડિસેમ્બર વચ્ચે વધુ એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપની શક્યતા તેમણે દર્શાવી છે.
તેમણે ઉમેર્યું કે, આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ સાથે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન અને અરબી સમુદ્રનો ભેજ ભળીને સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવશે, જે ગુજરાતમાં ફરીથી માવઠાનો યોગ સર્જશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ૬ જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.












Click it and Unblock the Notifications
