"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર
વડોદરા: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાથી પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જે લોકો ગુજરાતની જનતાને 'મૂર્ખ' સમજે છે અને રાજ્ય પ્રત્યે નફરત ધરાવે છે, તેમને આગામી ચૂંટણીમાં જનતા જસ્તો આપશે.

કોંગ્રેસના નિવેદનનો વળતો જવાબ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર લોન્ચિંગ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "જેઓ ગુજરાતને ધિક્કારે છે અને અહીંના લોકોને અબુધ માને છે, તેમને દરેક જિલ્લામાં જવાબ આપવામાં આવશે અને તેમનો સફાયો થઈ જશે." ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેમને 'અશિક્ષિત' ગણાવ્યા હતા અને વડાપ્રધાન મોદી તેમને 'મૂર્ખ' બનાવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. સંઘવીનું આ નિવેદન તે ટિપ્પણીના જવાબ રૂપે જોવામાં આવી રહ્યું છે.
ભાજપ અને જનતા એક પરિવાર
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતા અને ભાજપ એક વિશાળ સંયુક્ત પરિવાર સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં સમગ્ર રાજ્ય એકજુટ થઈને વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦૨૬ની આ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ નવો ઈતિહાસ રચશે.
ઉમેદવારો સાથે શપથ ગ્રહણ
વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ભાજપના તમામ ૭૬ ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઉમેદવારો સાથે પાર્ટી પ્રત્યે વફાદારીના શપથ પણ લીધા હતા. ત્યારબાદ તેમણે શહેરના વિવિધ ચૂંટણી કાર્યાલયોની મુલાકાત લઈને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો.
ચૂંટણીનું સમયપત્રક
ગુજરાતમાં આગામી ૨૬ એપ્રિલના રોજ ૩૪ જિલ્લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને અમદાવાદ, સુરત તથા વડોદરા સહિતની ૧૫ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાશે. આ તમામ બેઠકોનું પરિણામ ૨૮ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
