'કોંગ્રેસનું વલણ આવકાર્ય, અનામત અંગે 7મી સુધીમાં સ્ટેન્ડ ક્લિયર કરે'

Written By:
Subscribe to Oneindia News

પાસ કમિટિના સભ્યો અને ગુજરાત કોંગ્રેસ વચ્ચેની બેઠક પૂર્ણ થયા બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલ પોતે આ બેઠકમાં હાજરી નહોતા આપી શક્યા, પરંતુ તેમના દ્વારા નક્કી કરેલ કોર કમિટિના સભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પત્રકાર પરિષદમાં આ અંગે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, 'સૌને સમાનતાનો હક છે, પટેલ સમુદાયને અનામત મળવું જ જોઇએ. બધા સમાજ કહે છે કે, પાટીદારોને અનામત મળવી જોઇએ. ઓબીસી સમાજે અમારો વિરોધ કર્યો નથી. અમારી લડાઇ માત્ર પાટીદાર સમાજના યુવાનોના ભવિષ્ય માટે છે. અમે કોઇ સમાજમાંથી ભાગ નથી લેવા માંગતા.'

Hardik Patel

કોંગ્રેસે 4 મુદ્દાઓ સ્પષ્ટ કર્યા

રાજકોટમાં સંબોધવામાં આવેલ પત્રકાર પરિષદમાં હાર્દિકે કહ્યું હતું કે, 'આરક્ષણના મુદ્દાને કોંગ્રેસે ટેક્નિકલ મુદ્દો ગણાવ્યો છે અને પાસ કમિટિને કોંગ્રેસની વાત સાચી લાગી છે. કોંગ્રેસે 5માંથી 4 મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે. પાટીદાર દમનની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદારો પર થયેલ દમન અંગે પણ તપાસ થશે. કોંગ્રેસે 25-26 ઓગસ્ટ પછી પાટીદારો પર થયેલ તમામ કેસ પાછા ખેંચવાની તૈયારી બતાવી છે. કોંગ્રેસ તરફથી શહિદોના પરિવારને 35 લાખની સહાય કરવાની તથા પરિવારમાંથી લાયક એક વ્યક્તિને નોકરી આપવની વાત પણ સ્વીકારવામાં આવી છે. સરકારે શહિદોને સહાય નથી કરી.'

અનામત અંગે તા.7 સુધીમાં સ્પષ્ટતા કરે કોંગ્રેસ

'કોંગ્રેસ અનામત માટે પરિવારોની ગણતરી કરવા ફરી તૈયાર છે. ભાજપ દ્વારા જે ગણતરી કરવામાં આવી હતી કે, પાટીદાર સમાજના કેટલા લોકો ગરીબીનો સામનો કરી રહ્યાં છે. એ ગણતરી હાઇકોર્ટે દ્વારા માન્ય ગણવામાં નથી આવી અને કોંગ્રેસ ફરીથી આ ગણતરી કરવા તૈયાર છે. 20 ટકા ઇબીસી અનામત કઇ રીતે મળે તે કોંગ્રેસ 7 તારીખ સુધીમાં સ્પષ્ટ કરે, નહીં તો રાહુલ ગાંધીનો વિરોધ થશે.'

કોંગ્રેસ સાથે વાત શા માટે કરી?

'કોંગ્રેસ સાથે વાત કરવાનું કારણ માત્ર એટલું છે કે, અમે આયોગ કે અનામત સંવિધાનિક રીતે મેળવવા માંગીએ છીએ. અમે ઓબીસીમાંથી કોઇ અન્યમાંથી નહીં, સંવિધાનિક રીતે અનામત મેળવવા માંગીએ છીએ. ભાજપનો આયોગ સંવિધાનિક નથી. તે આયોગ માન્ય થયાને એક મહિનો થઇ ગયો છે. લોકતંત્રમાં દરેક નાગરિકને પોતાના હક માટે વિપક્ષ સાથે વાત કરવાનો અધિકાર છે, આથી કોંગ્રેસ સાથે વાટાઘાટો ચાલી રહી છે. ભાજપ સરકાર તરફથી વાતો કરવામાં આવી છે, પરંતુ આગળ એનું કોઇ પરિણામ નથી આવ્યું. ભાજપે 10 ટકાની વાત કરી હતી, પંરતુ વાત આગળ નથી વધી. ભાજપે પાટીદારો પર થયેલ કેસ પરત ખેંચવાની વાત કરી હતી, પરંતુ રાજકોટના અને 307ની ધારા હેઠળના કેસ પાછા નથી. તેમણે માત્ર 188ની કલમ હેઠળના કેસ જ પાછા ખેંચ્યા છે.'

English summary
PAAS leaders met Gujarat Congress to discuss Patidar reservation. Hardik Patel addressed a press conference post meeting and clears his stand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.