અમદાવાદના શીલજ વિસ્તારમાં હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ, 15 લોકોની ધરપકડ
અમદાવાદના શીલજ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. બોપલ પોલીસે શીલજ નજીક આવેલા ઝેફાયર ફાર્મ હાઉસ પર દરોડો પાડી એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના દરોડામાં જાણવા મળ્યું કે, આ ફાર્મ હાઉસમાં ગોવાની ક્લબની જેમ પાર્ટી ચાલી રહી હતી. ડીજેના સંગીત પર લોકો નાચી રહ્યા હતા અને ટેબલ ગોઠવીને દારૂની પાર્ટી માણી રહ્યા હતા. દરોડા સમયે પણ ટેબલો પર દારૂ ભરેલા ગ્લાસ અને દારૂની બોટલો મળી આવી હતી.

આ ઉપરાંત ફાર્મ હાઉસમાં હુક્કા સાથે દારૂની મહેફિલ પણ જામી હતી. પોલીસે કુલ 15 લોકોની ધરપકડ કરી છે, જેમાં બે ભારતીય નાગરિકો અને 13 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને દારૂના નશામાં હોવાથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઝડપાયેલા મોટાભાગના લોકો આફ્રિકન નાગરિકો છે, જ્યારે અન્ય કેટલાક મોંગોલિયા અને કંબોડિયાના નાગરિકો પણ હોવાનું ખુલ્યું છે. બોપલ પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ રેવ પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો.
શીલજમાં વિદેશીઓની આ રેવ પાર્ટી પર પોલીસના દરોડાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 13 NRI અને 2 ભારતીય નાગરિકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આ પાર્ટી માટે 700 થી 15,000 સુધીના પાસ છાપવામાં આવ્યા હતા.
આ પાસમાં દારૂ અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે, પરંતુ આટલી મોટી માત્રામાં દારૂ ફાર્મ હાઉસમાં કઈ રીતે પહોંચ્યો અને રેવ પાર્ટી માટે પાસનું વિતરણ થયા છતાં પોલીસને સમયસર કેમ જાણ ન થઈ તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.












Click it and Unblock the Notifications
