હજી તો મારે 2017 સુધી ગુજરાતની સેવા કરવાની છે: મોદી
ગાંધીનગર, 5 સપ્ટેમ્બર : આજે 5મી સપ્ટેમ્બર એટલે ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લીનો જન્મદિવસ. જેને આપણો દેશ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. આજના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે શિક્ષણમાં ઉત્તમ કાર્યપ્રદાન કરવા બદલ શિક્ષકોને પુરસ્કૃત કર્યા. આ પ્રસંગે બાળકોના પ્રશ્નોના જવાબ આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હજી તો તેમને 2017 સુધી ગુજરાતની સેવા કરવાની છે. મોદીના આ નિવેદને દેશની રાજનીતિમાં ફરી ગરમાવો લાવી દીધો.
અત્યાર સુધી દેશભરમાં એવી ચર્ચા ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરશે. કોંગ્રેસ પણ એવું કહેતી આવી છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનવાના મુંગેરીલાલના સપના જુવે છે. જોકે આ તમામ લોકોને સણસણતો જવાબ જાણે નરેન્દ્ર મોદીએ આજે આપી દીધો હોય કે 'ગુજરાતની જનતાએ તેમને ચૂંટ્યા છે માટે તેઓ 2017 ગુજરાતની જનતાની સેવા કરવાના છે.'
શિક્ષકોને સમ્માનિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ શાળાઓમાંથી આવેલા બાળકોના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં એક બાળકે તેમને એવો સવાલ કર્યો કે શું તેઓ પ્રધાનમંત્રી નથી બનવા માંગતા? જેના જવાબમાં મોદીએ જણાવ્યું કે 'દોસ્તો ક્યારે કંઇ બનવાના સપના નહીં જોવાના, કારણ કે જે કંઇક બનવાનું વિચારે છે તેનું બધુ હણાઇ જાય છે, હંમેશા કંઇક કરવાનું વિચારવું. તમારે એવો સંકલ્પ કરવો મારે આજે આટલા કિમી સાયકલ ચલાવી છે તો ચલાવવાની. મને ગુજરાતની જનતા તેમની સેવા માટે ચૂંટ્યો છે માટે મારે હજી 2017 સુધી તેમની સેવા કરવાની છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં, શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી અને રાજ્યપાલ કમલા બેનિવાલની ઉપસ્થિતિમાં શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
