માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી
ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આગામી અઠવાડિયામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMD એ બંદરો માટે ચેતવણી અને માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ પણ આપી છે.
IMD ગુજરાતના નિયામક એમ.કે. દાસના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર સક્રિય થયેલું ડિપ્રેશન રાજ્યના વિવિધ પ્રદેશોમાં છૂટાછવાયા વરસાદ લાવી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા બંદરો પર LCS-III સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC-I સિગ્નલ યથાવત રાખવામાં આવ્યા છે.

IMD બુલેટિન મુજબ, પૂર્વ-મધ્ય અને તેની નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન વધુ તીવ્ર બનીને છેલ્લા ત્રણ કલાકમાં લગભગ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વિભાગ અનુસાર, આ સિસ્ટમ આજે સવારે પંજીમ (ગોવા) થી લગભગ 380 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, અમિનીદીવી (લક્ષદ્વીપ) થી 400 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી 480 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં હતી. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે.
ગુજરાતના દરિયાકાંઠે બંદર સિગ્નલોમાં IMD દ્વારા નીચે મુજબ ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર અને ઓખા ખાતે DC-I સિગ્નલ ઉતારીને LC-III લગાવવામાં આવ્યું છે. જ્યારે જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા ખાતે DC-I સિગ્નલ યથાવત રખાયા છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વેરાવળ, મુળ દ્વારકા, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ ખાતે DC-I સિગ્નલ ઉતારીને LC-III લગાવવામાં આવ્યું છે.
વરસાદની આગાહી અનુસાર, 25 અને 26 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 25 અને 26 ઓક્ટોબરે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના દરિયાકાંઠે 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ મધ્યમથી ખરાબ રહેવાની શક્યતા છે. માછીમારોને 25 અને 26 ઓક્ટોબરે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અથવા મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
