રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના એક્ટિવ કેસમાં વધારો
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે અને દૈનિક પોઝિટિવ કેસની સંખ્યા ડિસ્ચાર્જ કરતા વધુ છે. સોમવારના રોજ રાજ્યમાં કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 209 થઇ છે.
રવિવારના રોજ નવ અને સોમવારના રોજ બે કેસ એક્ટિવ કેસ ઉમેરાયા હતા. આ સતત બીજો દિવસ છે, જ્યારે ડિસ્ચાર્જ કરતા પોઝિટિવ કેસની સંખ્યા વધુ છે. રવિવારના રોજ 25 કોરોનાના પોઝિટિવ કેસ સાથે દૈનિક કેસમાં 24 ટકાનો ઘટાડો થયો હતો. આ સાથે છેલ્લા 24 કલાકમાં 14થી 17નો ડિસ્ચાર્જમાં નજીવો વધારો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 જુલાઈથી ગુજરાતમાં એકપણ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નોંધાયું નથી.
19 પોઝિટિવ કેસમાં રાજકોટ શહેરમાંથી 5, અમદાવાદ શહેરમાંથી 3, સુરત શહેર અને જિલ્લામાંથી 2-2, વડોદરા શહેરમાં 2 અને અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ગીરસોમનાથ અને વડોદરા જિલ્લામાંથી એક -એક કેસ નોંધાયા છે. સોમવારના રોજ ઝીરો એક્ટિવ કેસ નોંધાતા મોરબી નવમો જિલ્લો બન્યો છે.