INDW vs AUSW : ભારતે ઓસ્ટ્રેલિયાના વિજય રથને અટકાવ્યો, ત્રીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાની જીત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વનડેમાં ઓસ્ટ્રેલિયાના વિજય રથને અટકાવ્યો હતો. આ અગાઉ કાંગારૂ મહિલા ટીમે સતત 26 વન ડે જીતી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વનડેમાં ઓસ્ટ્રેલિયાના વિજય રથને અટકાવ્યો હતો. આ અગાઉ કાંગારૂ મહિલા ટીમે સતત 26 વન ડે જીતી હતી અને 27મી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચ જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતીય ટીમે 8 વિકેટે હાંસલ કર્યો હતો. ઝુલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને બોલર્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બેટિંગમાં શેફાલી વર્મા અને યાસ્તિકા ભાટિયાએ અડધી સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ 264 રન બનાવ્યા હતા
ઓસ્ટ્રેલિયાએ રે મિશેલ ઓવલ હરપ પાર્ક મેકે ખાતે ત્રીજી વનડેમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કાંગારૂ ટીમે સારી શરૂઆત કરી હતી અને રશેલ હેન્સ અને એલિસા હીલીએ પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. હેન્સ 13 રન બનાવ્યા બાદ આઉટ થઇ હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી કેપ્ટન મેગ લેનિંગ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી. જ્યારે એલિયાસ પેરીએ 26 રન બનાવ્યા હતા. જ્યારે એશ્લે ગાર્ડનર 67, બેથ મૂની 52 અને તાહલિયા મેકગ્રાએ મધ્યમ ક્રમમાં 47 રન બનાવ્યા હતા. આ ત્રણેયની ઉપયોગી ઇનિંગના કારણે કાંગારૂ ટીમે વિકેટ પર 264 રન બનાવ્યા હતા.
પૂજા અને ઝુલને 3-3 વિકેટ લીધી
ભારત માટે ઝડપી બોલર ઝુલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. ઝુલને કાંગારૂ ટીમને શરૂઆતમાં જ વિકેટ ખેરવીને મોટા સ્કોર તરફ જતા અટકાવ્યા હતા. આ ભારતીય ઝડપી બોલરે ઓપનર રશેલ હેન્સ સહિત મેગ લેનિંગ અને એનાબેલ સધરલેન્ડને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ દરમિયાન પૂજા વસ્ત્રાકર પણ ત્રણ વિકેટ લેવામાં સફળ રહી હતી.
શેફાલી-યાસ્તિકાએ ફટકારી અડધી સદી
265 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી અને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. 22 રન બનાવ્યા બાદ મંધાના આઉટ થઇ હતી. આ બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા યસ્તિકા ભાટિયાએ શેફાલી સાથે ઈનિંગને આગળ વધારી હતી. બંનેએ 101 રનની ભાગીદારી કરીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.
શેફાલી 56 અને યાસ્તિકા 64 રન કર્યા બાદ આઉટ થઇ હતી. જે બાદ દીપ્તિ શર્માએ 31 અને સ્નેહ રાણાએ 30 રન બનાવીને ભારતને જીત તરફ લઇ ગયા હતા. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે મેચ ફેરવવાનો ભારે પ્રયાસ કર્યો, પરંતુ ઝુલન ગોસ્વામીએ તેને નિષ્ફળ બનાવ્યો. ભારતે 8 બોલ પર 265 રનનો લક્ષ્યાંક ત્રણ બોલ બાકી રાખીને પૂર્ણ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી
ભારતીય મહિલા ટીમે ભલે ત્રીજી વનડે મેચ જીતી હોય, પરંતુ શ્રેણી ઓસ્ટ્રેલિયાના નામે રહી. આ મેદાન પર રમાયેલી પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ત્રીજી વન ડે જીતીને હારનો ગાળો ઓછો કર્યો હતો. ટીમ ઇન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને ટી 20 શ્રેણી પણ રમશે.












Click it and Unblock the Notifications
