મેડ ઇન ગુજરાત બાલાજી વેફર્સમાં હિસ્સો ખરીદવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ તલપાપડ
ગાંધીનગર, 19 જુલાઇ : ચટાકેદાર નમકીન વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે જાણીતી ગુજરાતની પ્રોસેસ્ડ ફૂડ કંપની બાલાજી વેફર્સમાં હિસ્સો ખરીદવા માટે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ તલપાપડ છે. બાલાજી વેફર્સમાં મોટો હિસ્સો ખરીદવા માટે આઈટીસી અને બ્રિટાનિયા જેવી ભારતીય કંપનીઓ ઉપરાંત પેપ્સિકો અને મોન્ડેલેઝ જેવી અગ્રણી વૈશ્વિક ફૂડ કંપનીઓએ પણ રસ બતાવ્યો છે.
બાલાજી વેફર્સે તેની વિવિધ પ્રોડક્ટ્સ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચાડી છે. આ રાજ્યોમાં બાલાજી ફૂડ પેકેટ્સ માર્કેટમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. સ્થાનિક કંપનીઓ રાષ્ટ્રીય સ્તરે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવામાં સફળ બની રહી છે. ત્યારે બાલાજીનો હિસ્સો ખરીદવા પાછળની મોટી કંપનીઓની ગણતરી દેશભરમાં સ્થાનિક બ્રાન્ડના વેચાણ અને વિતરણ નેટવર્કનો લાભ લેવાની છે.

ભારતમાં પેકેજડ સોલ્ટી સ્નેક્સ માર્કેટ રૂપિયા 9500 કરોડનું હોવાનો અંદાજ છે. બીજી તરફ બિનસંગઠિત સ્નેકસ માર્કેટનો હિસ્સો પણ નોંધપાત્ર છે. રાજકોટ સ્થિત બાલાજી વેફર્સ વિરાણી પરિવારની માલિકીની કંપની છે. કંપનીએ તાજેતરમાં હિસ્સો વેચવાના હેતુથી અર્ન્સ્ટ એન્ડ યંગ (ઈ એન્ડ વાય)ને કામગીરી સોંપી હતી. કંપની અને તેના સલાહકારોએ કેટલાક વ્યુહાત્મક રોકાણકારો સાથે પ્રારંભિક ચર્ચા શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
બાલાજી વેફર્સ ગ્રાહક કેન્દ્રિત પ્રાઈવેટ ઈકિવટી (પીઈ) ફંડસ સાથે હિસ્સો શેર કરવાની ઇચ્છા ધરાવે છ. પીઈ ભાગીદારો પણ કંપનીમાં 25 ટકા સુધીનો હિસ્સો ખરીદી શકે. પ્રમોટર્સ કંપનીનો બહુમતી હિસ્સો વેચ્યા પછી પણ આંશિક હિસ્સો જાળવી રાખવાનો ઈરાદો ધરાવે છે. પરંતુ સંભવિત ખરીદદારોએ સંપૂર્ણ બિઝનેશ ખરીદવાની ઈચ્છા સ્પષ્ટ કરી દીધી છે. આખરી મૂલ્યાંકનને આધારે પરિવાર પણ આ દરખાસ્ત પર વિચારણા કરી શકે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાલાજીએ પશ્ચિમ ભારતના માત્ર પાંચ શહેરમાંથી 2012-13માં રૂપિયા 1,000 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યુ છે. અર્ન્સ્ટ એન્ડ યંગે કંપનીનું મૂલ્ય વેચાણના સાડા ત્રણ ગણું એટલે કે રૂપિયા 3,500 કરોડ આંકયુ છે. કંપની દક્ષિણ અને ઉત્તર ભારતમાં વિસ્તરણ માટે આગામી બે વર્ષમાં રૂપિયા 200 કરોડના રોકાણની યોજના ધરાવે છે. કંપની ગુજરાતમાં ત્રણ યુનિટ ધરાવે છે. ગુજરાતના વેફર માર્કેટમાં બાલાજીનો બજાર હિસ્સો 90 ટકા અને નમકીન માર્કેટમાં 70 ટકા જેટલો છે.












Click it and Unblock the Notifications
