ISRO : ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર સ્થપાશે, જાણો ક્યાં બનશે આ સેન્ટર?
ISRO : ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક (સ્પેસ સેન્ટર) સ્થાપવા જઈ રહ્યું છે. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત શ્રીહરિકોટા પછી હવે ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ઉભું કરાશે.
ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે, આ મિશન માટે લગભગ ₹10,000 કરોડનો ખર્ચ આવશે. ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે આ સ્પેસ સેન્ટર બનશે. આ મથકથી ખાસ કરીને SALV અને PSLV પ્રકારના રોકેટ લોન્ચ કરવામાં આવશે.

આ સેન્ટર માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી વર્ષોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અહીંથી અનેક મહત્વના અવકાશ મિશન્સ શરૂ થવાની સંભાવના છે. ગુજરાતનું ભૌગોલિક સ્થાન અને પરિસ્થિતિઓ અવકાશ પ્રક્ષેપણ માટે અનુકૂળ હોવાના કારણે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.
ISROના આગામી મિશન્સ પર નજર કરીએ તો તેમનાં મોટાભાગના કાર્યક્રમો હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. આગામી વર્ષોમાં ચંદ્રયાન-5, માનવ અવકાશ મિશન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન પણ છે, જે 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
ગુજરાત માટે આ અવકાશ મથક માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિ નહીં પણ રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે પણ નવી દિશા આપશે. દેશને અવકાશશાસ્ત્રના ક્ષેત્રે વધુ આગળ ધપાવતી આ પહેલ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે ભારતની પોઝિશનને વધુ મજબૂત બનાવશે.
જણાવી દઈએ કે, હાલ દુનિયાભરમાં ઈસરો તેની સિદ્ધિઓથી ડંકો વગાડી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ હવે ઈસરોએ સમાનવ અવકાશ પ્રોગ્રામ હાથ ઘર્યા છે.












Click it and Unblock the Notifications
