કરૂણા અભિયાન: ઘાયલ પશુ-પક્ષીઓને મળશે સમયસર સારવાર, સરકારની પહેલ
Karuna Abhiyan: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી, રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફર્સ અને પોઇઝનિંગ થતું હોય છે.
આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગરથી વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં આવતીકાલે તારીખ 10 થી 20 જાન્યુઆરી, 2025 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે.
વન અને પર્યાવરણ મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા જણાવ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે, જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ.
આ સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે.

છેલ્લા આઠ વર્ષમાં કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97200થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જે પૈકીના 31400થી વધુ પશુઓને તેમજ 65700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.
સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17600થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં 2400 જેટલા પશુઓ અને 15200થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતે સૌપ્રથમવાર શરૂ કરવામાં આવેલું કરૂણા અભિયાનનું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
મંત્રી બેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરૂણા અભિયાન 2025ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે.
આ સાથે જ, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે.
આ નંબર પર "Hi" મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે.
આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે.
આ સાથે જ પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે.
આ અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત 50 જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
અત્રે ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 4400થી વધુ પશુઓ અને 9300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.
જ્યારે, છેલ્લા 08 વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં 13300થી વધુ, વડોદરા જિલ્લામાં 10700થી વધુ, રાજકોટ જિલ્લામાં 8300થી વધુ, આણંદ જિલ્લામાં 6800થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં 6100થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.












Click it and Unblock the Notifications
