કચ્છમાં ભેદી બિમારીથી મોતનો આંકડો પહોંચ્યો 16, આરોગ્ય તંત્રમાં દોડધામ
કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ ભેદી તાવથી માત્ર છ દિવસમાં જ 16 લોકોના મોત નીપજ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે.
આરોગ્ય વિભાગે 25 જણની ટીમ કચ્છ મોકલી છે, જે ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબડાસા તાલુકામાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરુ કરી દેવાયું છે.

આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું કે, અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે, બીમારીથી ડરશો નહીં. જો કોઈપણ પ્રકારનો તાવ કે શરીરમાં અજુગતી અનુભૂતિ થાય તો તુરંત આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવો. તંત્ર કોઈપણ વ્યક્તિને આઇસોલેટ નથી કરવાના. ફક્ત દર્દીની તપાસ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિને આ બીમારી ન થાય તે મુજબની જરૂરી તકેદારી લેવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, જે લોકોના મોત થયા છે તેમાંથી જે 11 મૃતકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં બાળકોમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત પણ કેસ જોવા મળ્યાં. જો કે, ઘણાં મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયાં હોવાથી જે-તે કુટુંબીજનો સાથે વાતચીત કરીને મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલાં ગામો છે, જેની તપાસ કરી. તપાસ કરતાં 31 જેટલાં કેસ મળ્યાં જે તાવના હતાં.
આ તાવના કેસમાંથી 8-9 કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે અને બીજા પણ નવા કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે. જેનાથી જાણકારી મળે કે, જે વરસાદ બાદ પરંપરાગત રોગ થતા હોય છે, તે જ છે કે અન્ય કોઈ બીમારી જાણવા મળે છે કે કેમ તે માટે પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
લખપત પહોંચેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમાર સિંહે કહ્યું કે, મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે, જેનાથી તાવ ન્યુમોનિયા છે કે કંઈ બીજા કારણે તાવ આવ્યો છે તેની જાણ થઈ શકે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું તટસ્થ કારણ ખબર પડશે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કચ્છમાં ગણતરીના દિવસોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલાં મે સરકારી તંત્રનું ધ્યાન દોર્યુ હતુ. જ્યારે આ રોગની શરુઆત થઈ હતી અને ફક્ત બે મોત થયા હતા ત્યારે સરકાર સાથે જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યુ હતુ પરંતુ કોઈ જ ગંભીરતા ન લેવાતાં ગણતરીના દિવસોમાં કચ્છ જિલ્લામાં આટલા લોકોના મોત થયા છે. દુઃખ એ વાતનુ છે કે, વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનુ પાણી પણ હલ્યુ નથી.












Click it and Unblock the Notifications
