રાજ્યમાં 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. મતદાન જાગૃતિ માટેના અમારા પ્રયત્નોને પણ સમાજના તમામ વર્ગોમાંથી પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.
આચારસંહિતાનો અમલઃ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યારસુધીમાં સરકારી ઈમારતો અને સરકારી સંકુલો પરથી 2,28,981 અને ખાનગી મિલકતો કે સંકુલો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ કે જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આટલા દિવસો દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન:
પી. ભારતીએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.
c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 583 ફરિયાદો મળી છે, તે પૈકી 362 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 221 ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.
અન્ય ફરિયાદોઃ
તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી છે. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.
આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યારસુધીમાં 154 ફરિયાદો મળી છે. તે પૈકી 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે, જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની 05 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ:
ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.7,188 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.66 લાખની રોકડ, રૂ.385 લાખની કિંમતનો દારૂ, રૂ.94 લાખનું ડ્રગ્સ અને રૂ.187 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂ.6,456 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે.
ઓબ્ઝર્વર્સઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય એટલુ જ નહિં, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે તે વિસ્તારો માટે 58 જનરલ ઓબ્ઝર્વર્સ, 21 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 36 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામા આવી છે જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે વિસ્તારો માટે 56 જનરલ ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 33 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ ફરજ બજાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
