Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતાએ છોડી પાર્ટી
Lok Sabha Election 2024: સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના કોળી સમાજના અગ્રણી સોમા પટેલે ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા પછી ગુરુવારના રોજ દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં સોમાભાઇ પટેલે પાર્ટી છોડવા માટે અંગત કારણો આપ્યા છે. જોકે, સોમા પટેલને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નારાજ હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપે ચંદુભાઈ શિહોરાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. કોંગ્રેસે અત્યાર સુધી યોજાયેલી 15 ચૂંટણીમાં 7 વખત આ સીટ જીતી છે. આ બેઠક પરથી ભાજપ છેલ્લા બે ટર્મથી ચૂંટણી જીતી રહ્યું છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલને હરાવ્યા હતા. આ પછી વર્ષ 2020માં સોમા પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
જે બાદમાં તેઓએ ઘરવાપસી કરી કોંગ્રેસમાં પરત ફર્યા અને કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. હવે ફરી એકવાર સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.












Click it and Unblock the Notifications
