આણંદના સોજીત્રામાં ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાતના આણંદ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતના આણંદ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં કાર, રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આણંદના એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યુ હતુ કે ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે આણંદમાં કાર, બાઇક અને ઓટો રિક્ષા વચ્ચેની અથડામણમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઓટોમાં સવાર 4 લોકો, બાઇક પર સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કારના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

બનાવની વિગત મુજબ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર, રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં બેના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચારને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમના મોત નીપજ્યા હતા. અકસ્માત કેવી રીતે થયો તે અંગે સોજિત્રા પોલિસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક કેતન પઢિયારની બેદરકારીથી સર્જાયો હતો જે સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કુટંબી જમાઈ છે. હાલમાં પોલિસે તેમની સામે માનવ વધ કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.












Click it and Unblock the Notifications
