ઈરાન યુદ્ધને પગલે અમદાવાદ એરપોર્ટ પર હંગામાનો માહોલ
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના કારણે એરસ્પેસ બંધ થતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને માઠી અસર પડી છે.
સોમવારે સતત ત્રીજા દિવસે ખાડી દેશોની કુલ 20 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે દુબઈ, કુવૈત અને અબુ ધાબી જનારા સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર મધ્ય પૂર્વના અનેક દેશોએ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે.
આ સ્થિતિના પગલે સ્પાઈસ જેટ, ઈન્ડિગો, અમીરાત અને એર અરેબિયા જેવી મોટી એરલાઇન્સે દુબઈ, જેદ્દાહ, શારજાહ અને દોહા જતી તેમજ ત્યાંથી આવતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
અમદાવાદથી કુવૈત, અબુ ધાબી અને મસ્કત જતી આઉટબાઉન્ડ ફ્લાઈટ્સ રદ થતા આંતરરાષ્ટ્રીય કનેક્ટિંગ ફ્લાઈટ પકડનારા પ્રવાસીઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.
એરપોર્ટ સત્તાધીશોએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા સંબંધિત એરલાઇન્સ પાસેથી ફ્લાઇટનું વર્તમાન સ્ટેટસ જાણી લે જેથી એરપોર્ટ પર ધક્કો ન થાય.
જ્યાં સુધી મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધો હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ રૂટ પર વિમાની સેવાઓ સામાન્ય થવાની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
દુબઈ અને દોહા જેવા મોટા ટ્રાન્ઝિટ હબ પ્રભાવિત થવાથી યુરોપ અને અમેરિકા જનારા ગુજરાતી પ્રવાસીઓના શિડ્યુલ પણ ખોરવાઈ ગયા છે અને ટિકિટ રિફંડની સમસ્યા વધી છે.












Click it and Unblock the Notifications
