આદિજાતિ સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે છેલ્લા બે વર્ષમાં 12,547 લાખથી વધુ શિષ્યવૃતિ અપાઈ
આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આદિજાતિ સમાજની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમને પ્રત્યેક ક્ષેત્રમાં આગળ લાવવાની દિશામાં ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

વર્તમાન સમયમાં રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સહિતની સહાય આપવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે આદિજાતિ સમાજની દીકરીઓ તબીબી સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નિયત ટ્યુશન ફી સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2022માં 6632 દીકરીઓને હાયર એજ્યુકેશન માટે 7208.39 લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ-2023માં 4614 દીકરીઓને 5339.24 લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે.
આમ, છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ 11,246 દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે 12,547 લાખથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય ચૂકવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
