નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગીરના સિંહો મુદ્દે બેઠક બોલાવી

મોદીની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, વનમંત્રી ગણપત વસાવા સાથે કાયદાકીય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. ગીરનાં સિંહો ગીરમાં જ રહે તે માટેની ગીરનાં સિંહોનાં ખોરાક અંગેની વાત તથા ગીરનાં સિંહો અહીંની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી માત્ર જંગલ જ નહીં ગામડા-ખેતરમાં પણ વસે છે અને અહીં કોઇ તેમને ખતરો નથી તેવી વિગતો પણ રિવ્યુ પિટિશનમાં રજૂ કરાય તેવી શક્યતાઓ છે.
નોંધનીય છે કે ગુજરાતના ગૌરવ સમાન ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલ, 2013 સોમવારે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની પર્યાવરણની બેન્ચે ગીરના સિંહોનાં મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાની મંજૂરી આપી દીધી છે. ન્યાયમૂર્તિ એસ રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ ચંદમૌલિ કુમાર પ્રસાદની ખંડપીઠે સિંહોના સ્થળાંતર કરવા માટે સંબંધિત વન્યજીવ સત્તાવાળાઓને છ મહિનાનો સમય આપ્યો છે.
હાલમાં ગુજરાતના ગીર અભ્યારણમાં લગભગ 400 એશિયાઇ સિંહ છે. ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે નામીબિયાથી આફ્રિકી ચિત્તા ભારત લાવવાની પરવાનગી આપવામાં આવી ન શકે કારણ કે જંગલી ભેંસો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવી વિલુપ્ત થવાના આરે પહોંચેલી દેશી પ્રજાતિઓના સંરક્ષણને પ્રાથમિકતા આપવી જોઇએ.
વન તથા પર્યાવરણ મંત્રાલયે 300 કરોડ રૂપિયાના ચિત્તા સંરક્ષણ કાર્યક્રમ હેઠળ ભારતમાં આફ્રિકી ચિત્તા લાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે મે મહિનામાં આ પરિયોજનાને અમલમાં મુકવા પર પ્રતિબંધ મુકી દિધો છે. એશિયાઇ સિંહોને ગુજરાતના ગીર અભ્યારણમાંથી મધ્ય પ્રદેશના પાલપુર કુનો અભ્યારણમાં મોકલવાના મુદ્દે સુનાવણી દરમિયાન જ નામીબિયાથી ચિત્તા લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગીરના અભ્યારણમાંથી એશિયાઇ સિંહોને મધ્યપ્રદેશના અભ્યારણમાં સ્થળાંતરિત કરવાના મુદ્દે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીનો ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
