For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાર્થક કરવાનો માર્ગ છે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 23 મે : લાઈફ મિશનના પ્રણેતા રાજર્ષિમુનીની પ્રેરણાથી તૈયારી થયેલી લકુલિશ યોગ યુનિવર્સિટીનું અમદાવાદ - ગાંધીનગર હાઇવે પર આવેલા છારોડી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 23 મે, 2013 ગુરુવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીનું સંભાષણ
આ યુનિવર્સિટી ભવન લોટસ વ્યૂની રચના હેમરાજે કરી છે. રાજશ્રીમુનીને વિચાર આવવો એક વાત છે અને પત્થરમાં તે વિચારને જીવિત કરવો તે આ આર્કિટેક્ટની કમાલ છે. આ કારણે હું આર્કિટેક્ટ હેમરાજને અભિનંદન આપું છું. મારું માનવું છે કે આ ભવન આ નગરનું આઇકોન બનશે. આ લોટસ વ્યૂમાં ગજબની ખાસિયત છે.

મુનિજીએ તેમનો દેહત્યાગ કરતા સમયે જે ઇચ્છા જાહેર કરી હતી તેને સ્વરૂપ આપવા માટે આ મુનિજીએ જે પ્રયાસો કર્યા છે તેમનો હું આભારી છું. કટોકટી સમયે પોલીસ સૌને જેલમાં નાખતા હતા. અમને પણ પોલીસ શોધી રહી હતી. હું પણ ભૂગર્ભમાં રહીને લોકશિક્ષણનું કામ કરતો હતો. તે સમયે મેં પૂજ્ય ગુરુજીને આશ્રય માટે વાત કરી હતી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે ચિંતા ના કરો. આપ ઇશ્વરના શરણમાં આવ્યા હતા. મને રાજર્ષિમુનીને મળવાની ઇચ્છા હતી. મને આ તક 1979માં મળી. મારું સૌભાગ્ય છે કે જેમના ચરણોમાં બેસીને હું ભાગ્યશાળી બન્યો આજે તેમના પગલાંને સાકાર થતા જોઇને આનંદ થાય છે.

જે લોકો પ્રારંભથી મારા ભાષણો સાંભળતા આવ્યા છે, તેમને મારા સપનાની વાત ખબર હશે. આજે એક મોટી ભેટ માત્ર ગુજરાત કે ભારત નહીં સમગ્ર વિશ્વને મળી રહી છે. આ માત્ર યોગ યુનિવર્સિટી નથી. આ યોગકુલમ યુનિવર્સિટી છે જ્યાંથી નવા યુગનો આરંભ થશે.

અદ્વૈતનો સિદ્ધાંત યોગનું સાકાર સ્વરૂપ છે. આવું એટલા માટે કહું છું કે જ્યાં અંતર નથી, જ્યાં કર્મ, કર્તા અને કર્તવ્ય અલગ નથી, જ્યાં દ્વૈત નથી ત્યાં અદ્વેત હોય છે. આ અદ્વૈતની પ્રાપ્તિ યોગની પ્રક્રિયા છે. અહીં ભક્ત અને ભગવાન વચ્ચે પણ કોઇ અંતર નથી હોતું.

કેટલાક લોકોને લાગે છે કે યોગ એ રોગ મુક્તિનો માર્ગ છે. હું કહું છું કે યોગ માત્ર રોગ મુક્તિનો માર્ગ નહીં, ભોગ મુક્તિનો પણ માર્ગ છે. તેનો એક માર્ગ છે. આપણે ભોગવાદી જીવન તરફ આગળ વધવા લાગ્યા છે. જેના કારણે આપણા યોગે નવું રૂપ ધારણ કર્યું છે. જેને પ્રયોગ, ઉપયોગ કહેવાય છે. ગમે તેનો ઉપયોગ કરો. યોગથી આપણે વિમુક્ત થઇ ગયા છીએ. વિદેશની વ્યક્તિ જો માત્ર પદ્માસન કરે તો તેને લાગે છે કે મને સ્વર્ગની પાપ્તિ થઇ ગઇ. કેટલાક લોકો આસનને જ યોગ માનવા લાગે છે. આ કારણે અઘરી બાબતો તેઓ કરતા નથી અને યોગ કરતા નથી.

સર્કસમાં કામ કરનારા લોકો ખૂબ સરસ અંગમરોડ કરે છે. પણ અંગ મરોડ એ યોગ નથી. જ્ઞાન, કર્મ અને ભક્તિને યોગ્ય દિશામાં લઇ જવાના સામર્થ્યને યોગ કહે છે. વ્યક્તિના જીવનવિકાસની યાત્રા વ્યક્તિ, સમષ્ટિ અને પરમાત્માને પ્રાપ્ત કરવી યોગ વિના શક્ય નથી. મન, વચન અને બુદ્ધિનો અંકુશ પણ યોગ છે. તેના આધારે આપણે જીવનને કઇ દિશામાં લઇ જવા માંગીએ છીએ તે દિશામાં આગળ વધવાનું સામર્થ્ય આપે છે.

આ દેશમાં જુદી જુદી વ્યક્તિઓએ યોગને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કર્યો છે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે કોઇ મહિલા સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે તો તે યોગ છે. ક્યારેક દૂધ ઉભરાય, ક્યારેક મીઠું વધારે પડે તે યોગ નથી. મહર્ષિ અરવિંદે યોગને રાષ્ટ્રશક્તિનો આધાર બનાવ્યો છે. આપણી અંદર યોગ હોય અને તેને સિદ્ધ કરીએ તો મહામાનવ બનવાની ક્ષમતા આપણામાં છે.

ઇન્દ્રિયોને શાંત રાખવી એ પણ યોગ છે. ચાણક્યએ કહ્યું હતું જેવું શરીર તેવો ત્યાગ, જેવી બુદ્ધિ તેવો વૈભવ. આપણા શાસ્ત્રોમાં યોગના વિવિધ રૂપોની ચર્ચા થતી રહે છે. રામાયણમાં યોગને મન શાંત રાખવાનું સ્વરૂપ જણાવ્યું છે.

પહેલાના જમાનામાં ટાઇપિસ્ટ અને આજે કોમ્પ્યુટર ઓપરેટર કામ કરે છે. તેમની આંગળીઓ કમાલ કરે છે. પણ તેમને 70-80 વર્ષે જુઓ તો નિરાશ લાગે, પણ એટલી જ વયના સિતારવાદકને તમે પ્રફુ્લ્લિત જોશો. તેણે પણ આંગળીઓથી જ કામ લીધું છે. ફર્ક એટલો કે તેમણે સંગીતમાં યોગ કર્યો છે અને ટાઇપિસ્ટે નોકરી કરી છે.

જીવને શિવ સાથે જોડે તે યોગ છે. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું તે યોગ છે. કેટલાક લોકો માટે ડાલર અને પાઉન્ડ સાથે જોડવાને યોગ માને છે. જેમનામાં સંસ્કાર ચિંતન યોગ હોય છે તે અલગ જ હોય છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાની કવિતામાં યોગની વાત લખી હતી. કયા હાર હૈ ક્યા જીત હૈ, યદી જીત નહીં ભયભીત મેં, રાજનીતિક કર્તવ્યમેં યેભી સહી, વો ભી સહી.

હું દુનિયાની સામે યોગની ચર્ચા કરવા માંગુ છું. આપણે એ ભુલવું ના જોઇએ કે આપણા પ્રયત્નોથી નહીં પણ વિશ્વભરમાં માનવમન અશાંત છે. તેને વૈભવ સુખ નથી જોઇતું, તેના શાંતિ અને ચેન જોઇએ છે.

યોગનો નિરંતર પ્રચાર જરૂરી હતો. આ દેશમાં રાજ કરનારા લોકો માટે ભારત સામર્ત્થવાન બનશે તો મુશ્કેલી થશે, આ કારણે તેમણે આપણી યોગશક્તિને દબાવી દીધી. દુનિયા ઉપગ્રહ છોડી રહી છે, આપણે પૂર્વગ્રહથી જીવન જીવી રહ્યા છીએ. આપણે યોગ વારસાનું મૂલ્ય નીચું આંક્યું. તેને સાંપ્રદાયિકતા સાથે જોડ્યો. પણ આ દેશનું સૌભાગ્ય છે કે પરમાનંદજી સ્વામીએ જન્મ લીધો. લોકોની આસ્થા યોગ પ્રત્યે વધારે મજબૂત બનાવી. તેમણે વ્યક્તિગત યોગને સામુહિક યોગમાં પરિવર્તિત કર્યો. વિદેશમાં પણ યોગનો પ્રચાર કરવામાં આવ્યો. આગળનું કાર્ય લકુલિશ યોગ યુનિવર્સિટી કરશે. દુનિયા જે ભાષાને જાણે છે તેનો ઉપયોગ કરવો પડશે.

આજકાલ પશ્ચિમના દેશોએ સંશોધન કરી રહ્યા છે. જેમાં યોગ ચક્ર પર સંશોધન થાય છે. આપણે ભગવાન કે મહાપુરુષના ફોટા જોઇએ તો તેમના માથાની આજીબાજુ ઓરા એટલે કે તેજોવલય અથવા આભામંડળ દેખાય છે. વિજ્ઞાને ઓરાની વાતને સ્વીકારી છે. તેની મદદથી વ્યક્તિને 20 વર્ષ બાદ કેવી શારીરિક ખામીઓ આવશે તે શોધી શકાય છે. જાપાનના એક સાયન્ટિસ્ટે અનોખો કેમેરા બનાવ્યો છે. હું ઘણા વર્ષો પહેલા જાપાનમાં ગયો હતો. તેમણે મારા ઓરાને માપવા ફોટોગ્રાફી કરી. 40 દિવસ ત્યાં રહ્યો. મેં પ્રથમ દિવસે મારો અંગૂઠો કેમેરા પર મૂક્યો અને ઓરાનો ફોટો નિકાળ્યો. 40 દિવસની ટ્રેઇનિંગ બાદ 5-7 સેન્ટિમીટરનો ઓરો 12 સેન્ટિમીટરનો બની ગયો હતો. ઓરાનું પણ વિજ્ઞાન છે.

ગુજરાતમાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર. આપણે ત્યાં અંડમય કોષ, મનવય કોષ, જ્ઞાનમય કોષ વગેરે પ્રકારે પાંચ કોષ હોય છે. દરેક વ્યક્તિ ઓરા સાથે જન્મે છે. સમય જતા આપના કર્મો અનુસાર આપનો ઓરા વધે અને ઘટે છે. યોગનું વિજ્ઞાન હવે સ્વીકારવામાં આવી રહ્યું છે ત્યારે યોગની ક્રિયા આપણા માટે યોગ બની જાય તેમ ઇચ્છીએ છીએ.

એ દિવસ દૂર નથી, જ્યારે સમગ્ર વિશ્વમાં દરેક જગ્યાએ સ્ટ્રેસ મેનેજમેન્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ફેમિલીમાં પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી બન્યું છે. નાના બાળકોને પણ તેની જરૂર પડે છે. સમાજમાં હિંસા વધી રહી છે. આમાં સ્ટેરસ મેનેજમેન્ટ જરૂરી છે.

એક ત્રીજો મુદ્દો પણ કહેવા માંગું છું. આજે આઇટી (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) ક્ષેત્રમાં ભારતીય યુવાનોએ ડંકો વગાડ્યો છે. સૌએ આપણી એ શક્તિનો સ્વીકાર કર્યો છે. હું માનું છું કે સમગ્વ વિશ્વને આપણું બનાવવા, વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાર્થક કરવા યોગ સૌથી સરળ માર્ગ છે. ઓસ્ટ્રેલિયામાં 20માંથી 14 લોકો તમે ભારતના હોવ તો યોગની વાત અવશ્ય કરશે. યોગ એ હિન્દુસ્તાનને વિશ્વ સાથે જોડવાનો મોટો માર્ગ છે. આપણે દુનિયાને ખોટો યોગ શીખવાડવો ના જોઇએ. યોગના સાચા સ્વરૂપને દુનિયા સમક્ષ મૂકવું જોઇએ. આપણા ભારતમાં યોગના ઉત્તમ શિક્ષકો તૈયાર થાય એ જરૂરી છે. વિશ્વમાં યોગ ટ્રેઇનર ભારત પુરા પાડી શકશે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે જીવનમાં યોગ ઉતારીશું. આ યુનિવર્સિટી ગુજરાતમાં બની તેનો મને આનંદ છે. મિત્રો અસંતોષના કીચડમાંથી કમળ ખીલે તેવું વાતાવરણ આપણે બનાવવાનું છે. યોગ પ્રત્યે આપણે શ્રદ્ધા વધારવાની છે.

ઉદઘાટન કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના બાદ યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉ. દિનેશ અમીને પ્રાસંગિક ઉદબોધન કરી યુનિવર્સિટીની સ્થાપનાની પ્રેરણા અને ધ્યેય અગે વાત કરી હતી.

સુરેન્દ્રનગર સ્થિત લાઇફ મિશન ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી દેશ પ્રથમ ખાનગી યોગા યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ હશે તેને પુર્ણ કર્યા બાદ સ્નાતકની ડિગ્રી પ્રદાન કરવામાં આવશે. છ સેમિસ્ટરવાળા ત્રણ વર્ષના સ્તાનક કક્ષાના અભ્યાસક્રમ માટે ઉદઘાટનના દિવસથી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સત્રનો પ્રારંભ 15 જૂનથી શરૂ થશે.

યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ બે ર્કોસ રાખવામાં આવ્યા છે. અષ્ટાંગ યોગા નામના સર્ટિફિકેટ ર્કોષ માટે 600 કલાક અને કર્મજ્ઞાન નામના ડિપ્લોમા કોર્સ માટે 1810 કલાકનું યોગા એજ્યુકેશન લેવાનું રહેશે. અષ્ટાંગ માટે ઉંમર મર્યાદા 8થી 35 વર્ષની અને કર્મજ્ઞાન માટે 18થી 80 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવી છે. લકુલીશ યુનિવર્સિટી દેશની અન્ય યુનિવર્સિટી સાથે જોડાઈને પણ યોગાના આ બન્ને ર્કોસ શીખવવાનું કામ કરશે.

English summary
Narendra Modi inaugurated Lakulish Yoga University at Charodi near Ahmedabad- Gandhinagar highway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X