મોદીએ શાનદાર પરફોર્મન્સ માટે પૂજારાને અભિનંદન પાઠવ્યા

દર વર્ષની પરંપરાથી અલગ નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત પોતાના ઘરને બદલે અમદાવાદમાં એક હોટલમાં મીડિયા સાથેની શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે "આચારસંહિતાના કારણે નવ વર્ષની જેમ ઉજવણી થઇ શકી નથી. ભાજપ વતી આપનું સ્વાગત કરું છું. દેશ અને દુનિયામાં વિકાસના સંદર્ભમાં ગુજરાત રેફરન્સ પોઇન્ટ છે. આથી મીડિયા વર્લ્ડ અને પત્રકાર જગતે જે યોગદાન આપ્યું તેની સહર્ષ નોંધ લઇને અભિનંદન પાઠવું છું."
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "આ દિવાળીમાં મારે ત્યાં સ્નેહમિલન થઇ શક્યું નથી. 25 ડિસેમ્બરે વાજપેયીજીના જન્મદિવસે ચોક્કસથી સ્નેહ મિલન યોજીશું. ચેતેશ્વર પૂજારા ફૂલ ફોર્મમાં બેટિંગ કરી રહ્યા છે એટલે આજે હું કોઇ બેટિંગ કરવાનો નથી. તેમને આ પરફોર્મન્સ બદલ શુભેચ્છા પાઠવું છું."
ઉલ્લેખનીય છે કે મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં આજે સવારે ચેતેશ્વર પૂજારાએ પોતાની બીજી ટેસ્ટ સદી નોંધાવી હતી. રમતને ચાલુ રાખતા ધમાકેદાર બેટિંગ કરીને તેમણે 150 રન પૂરાં કરતા નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના પૂજારાને અભિનંદન આપ્યા હતા.












Click it and Unblock the Notifications
