નવસારી ફ્લાવર શોમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
નવસારી નગરપાલિકા (NMC) એ તેના પ્રથમ ફ્લાવર શોમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 95,000 થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને નવસારી શબ્દની 8 ફૂટ ઊંચી અને 49 ફૂટ લાંબી પુષ્પ દિવાલ પ્રદર્શિત કરી આ સિદ્ધિ હાંસલ કરાઈ.

આ સિદ્ધિ સૌથી મોટો ફ્લાવર વર્ડ શ્રેણીમાં નોંધાઈ, જેણે પાલિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે આ પ્રસંગને માત્ર પુષ્પ પ્રદર્શન નહીં, પરંતુ સુશાસન, ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર સરકારના ધ્યાનનું પ્રતીક ગણાવ્યું.
NMC દ્વારા આયોજિત પ્રદર્શનમાં 10 લાખથી વધુ છોડ, 25 જાતિના ફૂલ પાકો અને 40 થી વધુ રંગોના ફૂલો હતા. વિદેશી ડિઝાઈનથી પ્રેરિત સ્થાપનો ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઇસરો રોકેટ, વાઘ, સંસદ ભવન અને નવસારીના ઐતિહાસિક ટાવરના પ્રદર્શનો પણ મુખ્ય આકર્ષણ રહ્યા, જેણે મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષ્યા.
ઉલ્લેખનીય છે કે, નવસારી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ફ્લાવર શો માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી પાલિકાઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. અમદાવાદે આ મહિનાની શરૂઆતમાં જ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના સૌથી મોટા પુષ્પ પોટ્રેટ માટે બે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
