નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યાં છે?
સોશિયલ મીડિયા સ્ટાર અને જાણીતા સમાજસેવક નીતિન જાની ખજૂરભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની મોટી જાહેરાત કરી છે. તેમણે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું આયોજન કર્યું છે, જેની જાણકારી રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી હતી.
ખજૂરભાઈએ કાર્યક્રમમાં જણાવ્યું કે, તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું. આ સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, પાર્ટી ગમે એ હોય, ઇલેક્શનમાં વટ્ટથી ઉતરજો.

બારડોલીના વતની ખજૂરભાઈ તેમની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જાણીતા છે. તેમણે અનેક બેઘર લોકોને ઘરનું ઘર પૂરું પાડી આશ્રય આપ્યો છે. તેમની આ સક્રિય સેવાકીય ભૂમિકા પછી રાજકારણમાં પ્રવેશની જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
જો કે, ખજૂરભાઈ કઈ રાજકીય પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજ્યમાં ખજૂરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કોમેડી જેટલી લોકપ્રિય છે, તેટલી જ તેમની સેવાકીય કામગીરી પણ લોકોને પ્રેરણા આપે છે.
નીતિન જાનીના પારિવારિક જીવનની વાત કરીએ તો, તેમના પત્ની મીનાક્ષી દવે સૌરાષ્ટ્રના સાવરકુંડલાના દોલતી ગામના વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં ફરજ બજાવે છે, જ્યારે માતા અરુણાબેન ગૃહિણી છે. મીનાક્ષી દવેને નીલમ, કોમલ અને દેવાંગી નામની ત્રણ મોટી બહેનો તથા હરકિશન નામનો એક ભાઈ છે, જે હાલ બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. નીતિન અને તેમના ભાઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાથે જોવા મળે છે.
ખજૂરભાઈએ અત્યાર સુધીમાં તેમણે ૨૫૦થી વધુ મકાનોનું નિર્માણ કરાવી લોકોને આશ્રય પૂરો પાડ્યો છે. તેમની આ સેવાકીય કામગીરીએ તેમને લોકોમાં એક આદરણીય સ્થાન અપાવ્યું છે.












Click it and Unblock the Notifications
