'હાર્દિક અને કોંગ્રેસ ગોળ-ગોળ વાતો કરી સમાજને છેતરી રહ્યાં છે'

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાટીદાર અનામત આંદોલન ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. સોમવારે બપોરે આ મુદ્દે પાસના કોર કમિટિના સભ્યો અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે બેઠક થઇ હતી અને ત્યાર બાદ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ કરી હતી અને એ પછી પાસ કન્વીર હાર્દિક પટેલે પણ પત્રકાર પરિષદ કરી કોંગ્રેસના વલણને સકારાત્મક ગણાવ્યું હતું. આ સમગ્ર મામલે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર પ્રશ્ન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ અને પાસ વચ્ચેની બેઠકનું શું પરિણામ આવ્યું એ એ લોકો સ્પષ્ટ કરે. કોંગ્રેસે આ બેઠકમાં કશું નવું નથી કહ્યું. સમાજને અંધારામાં રાખવા માટે તેઓ આ નાટક કરી રહ્યાં છે. હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ભાજપે પાટીદાર સમાજ માટે કંઇ નથી કર્યું.'

nitin patel

ભાજપ સરકારે પાટીદારોને કરેલ વાયદા પૂર્ણ કર્યા છે

'સરકારે પાટીદાર આંદોલનમાં પાટીદારો પર થયેલ દમનની તપાસ માટે સરકાર દ્વારા નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ કમિશનની રચના કરી છે. આ આંદોલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 20 લાખની સહાય કરવામાં આવી છે. 12 પરિવારોને સરકારે સહાય કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે, સવર્ણ આયોગની રચના બંધારણીય રીતે નથી થઇ. પરંતુ તેમને ખબર નથી કે, રાજ્ય સરકાર પાસે પણ આ અંગે નોટિફિકેશન બહાર પાડવાની સત્તા છે. સવર્ણ આયોગની રચના પણ બંધારણીય રીતે કલમ 162 હેઠળ કરવામાં આવી છે. 10 ટકા અનામતની વાત ભાજપ સરકારે કરી હતી અને એ આર્થિક અનામત લાગુ કરવામાં આવી છે. પાટીદારો પર થયેલ 461 કેસ પાછા ખેંચાયા છે.ભાજપે પોતાની તમામ યોજનાને અમલમાં મુકી છે.'

અમારા આ નિર્ણયોને તેમણે લોલીપોપ ગણાવી હતી

'સરકાર સાથેની બેઠકમાં હાર્દિકે ઓબીસીમાંથી કઇ રીતે અનામત મળી શકે એ અંગે જવાબ માંગ્યો હતો, જ્યારે આજે કરેલ પત્રકાર પરિષદમાં તેમણે ઓબીસી અનામતનો આગ્રહ નથી કર્યો. આ વાતો કોંગ્રેસ અને હાર્દિક પટેલની નીતિ સ્પષ્ટ કરે છે. અમારી માંગણી માન્ય રાખ્યા બાદ તેઓ તેને લોલીપોપ ગણાવે છે. કોંગ્રેસે ઓબીસી અંગે તમને કઇ વસ્તુની ખાતરી આપી છે તેની સ્પષ્ટતા કરો. કોંગ્રેસ હજુ માત્ર પોકળ વાતો કરે છે, જ્યારે ભાજપે તો 600 કરોડના નિગમની ફાળવણી કરી દીધી છે. નાણાં મંત્રી અને કમિટિના ચેરમેન તરીકે અમે આમાં પણ વધારો કરીશું. કોંગ્રેસની સરકાર વખતે પણ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોંગ્રેસ તરફથી કોઇ મદદ કરવામાં નહોતી આવી. ત્યારે આજે કોંગ્રેસ કયા મોઢે આ અંગે મદદની વાત કરે છે. કોંગ્રેસની નીતિ પાટીદારોને છેતરવાની છે, પાસવાળા જાતે છેતરાવા જઇ રહ્યાં છે. અનામતનો મુખ્ય મુદ્દો બાજુએ મુકી કોંગ્રેસ અને હાર્દિક પટેલ ગોળ-ગોળ વાતો કરી સમાજને છેતરી રહ્યાં છે. અમારી નીતિ છે, સૌનો સાથ સૌનો વિકાસ; જ્યારે કોંગ્રેસની નીતિ છે, ભાગલા પાડો, રાજ કરો.'

English summary
Nitin Patel addressed press conference post pass-congress meeting and Hardik Patel's press conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.