નવેમ્બર 12, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

અમદાવાદઃ ખાનગી હોટલમાં શરૂ થયો કબાબ ફેસ્ટિવલ
અમદાવાદ સ્થિત એક ખાનગી હોટલમાં કબાબ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલની ખાસીયત એ છેકે આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશમાં બનતા જુદા-જુદા કબાબ લોકોને પીરસવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં અમદાવાદીઓને ધ્યાનમાં રાખીને શાકાહારી કબાબ પીરસવામાં આવી રહ્યાં છે અને આ ફેસ્ટિવલ 7થી23 નવેમ્બર સુધી ચાલવાનો છે.
વડોદરાઃ હરણી રોડ પર ડિમોલેશનની કામગીરીનો પ્રારંભ
વડોદરા મહાનગર સેવાસદનની ટીમે હરણી સંગમ ચાર રસ્તા નજીક વોર્ડ ઓફિસ પાસે 15થી 20 જેટલા મકાનોનો સફાયો બોલાવી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ડ્રેનેજ લાઇનની ઉપરના ભાગે મકાનો બનાવવામાં આવ્યા હતા. સેવાસદન દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે મકાન ખાલી નહીં કરતા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ સમયે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વાપીઃ નકલી દવા બનાવતા ત્રણ શખ્સો પકડાયા
વાપી એસઓજીની ટીમ દ્વારા દવા બનાવવા માટે વપરાતા કિંમતી મેડિકલ પાઉડરના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. એસઓજીની ટીમના સભ્યો જીઆઇડીસી નજીક સરદાર ચોકમાં તપાસ કરી રહ્યાં હતા, તે દરમિયાન ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસેથી યુનિમાર્ક કંપનીના લેબલવાળા પાઉડરના પેકેટ મળી આવ્યા હતા. આ પાઉડર ચોરીને એકઠા કરવામાં આવ્યા હતા અને તેની કિંમત 5.73 લાખ રૂપિયાની આસપાસ છે, પોલીસે ઉક્ત ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
સેલવાસઃ શિવાની હત્યા કેસમાં એકની ધરપકડ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના શિવાની હત્યા કેસમાં પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 15 દિવસ અગાઉ થયેલી યુવતીની હત્યામાં પોલીસે વિકૃત વિચારો ધરાવતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે હત્યા જ્યાં થઇ હતી તે સ્થળના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
