નવેમ્બર 17, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ઓખાઃ દરિયાઇ વિસ્તારમાં અદ્યતન પેટ્રોલિંગ બોટ કરશે સુરક્ષા
ગુજરાતના દરિયાઇ સરહદની સુરક્ષા માટે પોરબદંર સ્થિત કોસ્ટ ગાર્ડને સવા અબજની ત્રણ ઇન્ટરસેપ્ટ બોટ અર્પિત કરવામાં આવી છે, જે પૈકી એક બોટ ઓખા કોસ્ટગાર્ડ જેટી ખાતે આવતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ બોટ ઓખા-દ્વારકાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સુરક્ષાની ખાતરી કરશે. નોંધનીય છેકે, આ બોટનું નિર્માણ 45 કરોડ રૂપિયા ખર્ચે કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદઃ વિજળી પડતાં બાળકનું મોત
સોરાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ધારી પંથકમાં વિજળી પડવાના કારણે એક બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિસાવદર, ભવનાથ, ધારી, સાવરકુંડલા, લલીયા, વડીયા, ચલાલા સહિત અનેક સ્થળો પર તોફાની પવન સાથે 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાં ખેતી-પાકને નુક્સાન થયું છે. તેમજ હજુ એકાદ બે દિવસ આ પ્રકારે માહોલ રહેશે તેવી આગામી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આણંદઃ પરિણીતા રહસ્યમય રીતે લાપતા થતા ફરિયાદ
આણંદ શહેર સ્થિત જુના દાદર પાસે રહેતી એક 32 વર્ષિય પરિણીતા રહસ્યમય રીતે લાપતા થઇ હોવાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવ અંગે પોલીસ પાસેથી જાણવા મળ્યા અનુસાર શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલા જુના દાદર નજીક રહેતી અને દાહોદ નિવાસી આદિવાસી પરિણીતા ગત 5 નવેમ્બરના રોજ કોઇને પણ કહ્યાં વગર ઘરેથી ચાલી ગઇ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તાર અને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરતા તેની ભાળ મળી ન હોવાથી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ કુખ્યાત આદીલના ઘરેથી 8 પિસ્તોલ મળી
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને હત્યાના ગુનામાં પેરોલ પર છૂટેલા કુખ્યાત આદીલ જુણેજા પર ફાયરિંગ થયાની ઘટનાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું છેકે, આદીલ પોતાના ઘરે રહેતી પિસ્તોલને ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક તેમાંથી ફાયરિંગ થયું હતું અને તેમાં તેને ઇજા પહોંચી હતી. જેને લઇને પોલીસે આદીલના ઘરે રેડ મારી હતી, જેમાં આઠ પિસ્તોલ, પાંચ મેગ્ઝીન અને 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે સબબ પોલીસે આદીલની પત્ની સહિત ચાર આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
