ઓક્ટોબર 9, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

સુરતઃ આવકવેરા વિભાગના બિલ્ડરોને ત્યાં દરોડા
સુરત આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્વે કાર્યવાહીએ ફરી બિલ્ડર જૂથને નિશાના પર લીધું છે. શહેરના આંજણા વિસ્તારમાં કોમર્શિયલ કન્સ્ટ્રક્શ પ્રોજેક્ટ હાથ ધરનારા બિલ્ડર જૂથ હાઇટેક ગ્રુપ ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે છેલ્લા બે અઠવાડિયા દરમિયાન શહેરના યાર્ન વ્યવસાયી, ટેક્સટાઇલ ટ્રેડર્સ, બિલ્ડર જૂથ મળીને 10 જેટલા ઉદ્યોગ સંચાલકોને ત્યાંથી 61 કરોડનું કાળું નાણું ઝડપાયું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી 16 લાખનું સોનું ઝડપાયું
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી સોનાની દાણચોરીની ઘટનાઓ વધી ગઇ છે. બુધવારે પણ સોનાની દાણચોરી કરવામાં આવી રહી હતી. ત્યારે અમદાવાદ કસ્ટમ્સ વિભાગને 16 લાખની કિંમતનું 780 ગ્રામ સોનું મળી આવ્યું છે. આ સોનું એર અરેબિયાથી આવેલા મુસાફરની બેગમાંથી મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે.
સંરક્ષણ ગૃહમાંથી 10 યુવતીઓ ભાગી
અમદાવાદના ઓઢવ ભિક્ષુક ગૃહ નજીક આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી અંદાજે 10 જેટલી યુવતીઓ એકસાથે રૂમની ગ્રીલ તોડીને ભાગી ગઇ છે. જે અંગેની ફરિયાદ ઓઢવ પોલીસ મથકે નોંધાવાઇ છે. જોકે હજુ સુધી ભાગી ગયેલી યુવતીઓ અંગેની કોઇ ભાળ મળી નથી. બીજી તરફ એ વાત પણ વહેતી થઇ છેકે સંરક્ષણ ગૃહમાં સત્તાધિશોના ત્રાસ અને અમાનવીય અભિગમની કંટાળીને યુવતીઓ ભાગી ગઇ છે.
સુરતઃ બે માસૂમોની હત્યા કરી માતાએ કરી આત્મહત્યા
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા હરીનગર સ્થિત શુભ રેસિડેન્સી ખાતે એક માતાએ પોતાના બે માસૂમ સંતાનોને ક્રુરતાપૂર્વક રહેંસી નાંખ્યા હતા, તેમજ તેમણે પણ એપાર્ટમેન્ટના નવમાં માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
