
પદ્માવત: ભયના માહોલ વચ્ચે બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ
વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત ગુરૂવારે ગુજરાત સહિતના ચાર રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં રિલીઝ થઇ છે. ત્યારે આ ફિલ્મના વિરોધમાં રાજપુત કરણી સેના દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેની ગુજરાતમાં સફળ અસર જોવા મળી હતી. ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો ભયના માહોલ વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, ઘાટલોડીયા જેવા વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો ખોલી નહોતી અને હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને કલાસાગર મોલ, એક્રોપોલીસ મોલને સુરક્ષાના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતા. જો કે, આ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ફ્લેગ માર્ચ કરવામાં આવતા કોઇ અનિચ્છીનીય ઘટના બની નહોતી.

શું છે અમદાવાદમાં પરિસ્થિતિ?
બીજી તરફ અમદાવાદના બાપુનગરમાં એક ટોળાએ એએમટીએસની રૂટ નંબર 200ની બસ પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવ બાદ એએમટીએસ દ્વારા અંદાજે 100 રૂટ બંધ કરવામાં આવ્યા હતા. આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટે પોલીસ કમિશનર એ કે સિંગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો ધોળકા સરખેજ હાઇવે પર સવારે કેટલાંક લોકોએ ધોળકા જઇ રહેલી બસ પર પથ્થરમારો કરતા અફરાતફરી થઇ ગઇ હતી. જેના પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. તો સાંણદમાં બજારો તેમજ કોર્ટ સંપૂર્ણ રીતે બંધ રહી હતી. તો ધોળકા, બાવળા, ધંધુકામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

ગાંધીનગરમાં સળગ્યા ટાયર
જ્યારે ગાંધીનગરમા બુધવાર રાતથી જ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ઘ-0 સર્કલ પાસે કેટલાંક લોકોએ ટાયરો સળગાવ્યા હતા અને સેક્ટર-23માં ધડાકા થાય તેવા બોમ્બ ફોડીને વિરોધ કરવામાં આવતા સવારથી જ બંધની અસર જોવા મળી હતી. જેમાં મુખ્ય બજાર સેક્ટર 21 સહિત તમામ દુકાનો બંધ રહી હતી અને કોબા ગાંધીનગર હાઇવે પર પર આવેલા કુડાસણ સહિતના ગામોમાં તમામ વેપાર ધંધા બંધ રહ્યા હતા. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, પેથાપુરના બંધના પગલે પણ લોકોને હાલાકી પડી હતી અને વાહનવ્યવહાર પર પણ અસર થઇ હતી.

બસ પર પથ્થરમારો
મહેસાણામાં બંધની સરેરાશ અસર થઇ હતી અને થોડા વિસ્તારોમાં વેપાર ધંધા ચાલુ રહ્યા હતા. જો કે બુધવારે ખેરાલુમાં એસટી બસ પર પથ્થરમારો થતા તોડફોડ થઇ હતી. જેના પગલે એસટી વિભાગમાં મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ એસટી સેવા બંધ રાખવામાં આવી હતી. ત્યારે ઉત્તર ગુજરાતમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પાટણ, પાલનપુર, હિંમતનગર, ઉઝા, સહિતમાં બજારો અને કેટલીક સ્કુલો બંધ રહી હતી.

રાજકોટમાં અનોખો વિરોધ
ઉત્તર ગુજરાતમાં મોડાસા, ભિલોડા એપીએમસી બંધ રહેતા શાકભાજીની ખરીદી પર પણ અસર થઇ હતી. જ્યારે સૌરાષ્ટ્રમા પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં રાજકોટમાં કરણી સેના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ફુલ આપીને લોકોને આ ફિલ્મના વિરોધમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જો કે ગોંડલમાં સજજ્ડ બંધ રહ્યો હતો અને રસ્તા પર બુધવારથી જ ટાયરો સળગાવવાના બનાવો બન્યા હતા. સુરત અને વડોદરામાં સવારથી જ લોકોએ વેપાર ધંધા ચાલુ રાખ્યા હતા અને કોઇ મોટી ઘટના બની નહોતી.