For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તામાં પાટીદાર, વિપક્ષમાં પાટીદાર છતાં વચનો નિભાવવાનો પોકાર?

સત્તામાં પાટીદાર, વિપક્ષમાં પાટીદાર છતાં વચનો નિભાવવાનો પોકાર?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

https://twitter.com/bbcnewsgujarati/status/1430492688487493634

25 ઑગસ્ટ, 2015. ગુજરાતના રાજકીય ઇતિહાસની આ તારીખે ગુજરાતની રાજનીતિમાં નવાં સમીકરણો રચાયાં હતાં. આ તારીખ છે પાટીદાર આંદોલન વેળા અમદાવાદના GMDC ગ્રાઉન્ડની સભા વખતે બનેલી ઘટનાની. હવે તેને છ વર્ષ થઈ ચૂક્યા છે.

પાછલાં છ વર્ષોથી ગુજરાતમાં 'પાટીદાર' એ માત્ર એક સમુદાય માટે વપરાતો શબ્દ મટીને એક તીવ્ર સામાજિક-રાજકીય ચળવળનો જાણે પર્યાય બની ગયો છે.

વર્ષ 2015માં 22 વર્ષીય યુવાન હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. અને માગણી હતી સમુદાયને 'ઓબીસીનો દરજ્જો અપાવવાની'.

પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતમાં આનંદીબહેનના નેતૃત્વવાળી સરકાર પર દબાણ સર્જાયું હતું.

આજે પણ રાજકીય વર્તુળમાં આંદોલન પછી આનંદીબહેન પટેલે મુખ્યમંત્રીપદેથી આપેલા રાજીનામા પાછળ આ ઘટનાને જ કારણભૂત માનવામાં આવે છે.

અનામત માટે પાટીદારોનું આંદોલન થયું. પછી હિંસા થઈ, મોત થયાં, જાહેર મિલકતોને નુકસાન થયું, અદાલતી કાર્યવાહીઓ થઈ, વાટાઘાટ અને સમાધાન પણ થયાં. સરકારે પણ મુખ્ય મંત્રી સ્વાવલંબી યોજના જાહેર કરી, આર્થિક આધારની અનામત (EBC - ઇકૉનૉમિક બૅકવર્ડ ક્લાસ) આપવામાં આવી.

પરંતુ આંદોલન કરનારા એ તમામનો આજે છ વર્ષે પણ એક સૂર છે કે - સરકારે તેમને કરેલા વાયદા પૂરા નથી કર્યા.

પાટીદારોની ઓબીસી અનામતની માગ અને સામે સરકારના વાયદા

પાટીદાર અનામત આંદોલનની વાત આવે એટલે સ્વાભાવિક સૌથી પહેલું પરિચિત અને જાણીતું નામ સપાટી પર આવે તે છે હાર્દિક પટેલ.

સરદાર પટેલ ગ્રૂપના એક સમયના સભ્ય હાર્દિક પટેલ અન્યોએ સામુદાયિક જનસમર્થન સાથે 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' (પાસ) રચી હતી. જેને એસપીજી ગ્રૂપનો પણ ટેકો હતો.

એ સમયે સમિતિનો મુખ્ય ઉદ્દેશ પાટીદાર સમુદાયને ઓબીસીનો દરજ્જો અપાવવાનો હતો. એટલે કે પાટીદારોને 27 ટકા અનામત તેમની મુખ્ય માગણી હતી.

પરંતુ આજે આ માગણીની શું સ્થિતિ છે? આંદોલનથી પાટીદારોને શું મળ્યું? સરકારે આંદોલનકારીઓ અને પાટીદાર સંગઠનોને શું વાયદા કર્યાં હતા? એ વાયદા કેમ પૂરા નથી થયા? આ તમામ સવાલોના જવાબ જાણવા જરૂરી છે.

આ મામલે સૌપ્રથમ બીબીસીએ 'એસપીજી' સંગઠનના મુખ્ય નેતા લાલજી પટેલ સાથે વાતચીત કરી.

લાલજી પટેલે તાજેતરમાં જ પાટીદાર આંદોલન મામલેની માગણીઓ સંદર્ભે એક જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ હવે ફરી એક વાર સરકારને આ મામલે રજૂઆત કરવા જઈ રહ્યા છે.


સરકારે શું વાયદા કર્યાં હતા? હવે શું માગણીઓ છે?

ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયની તસવીર

બીબીસી સાથેની વાતચીતમાં લાલજી પટેલ કહે છે, "અમે 2017ની ચૂંટણી પહેલા આંદોલનો કર્યાં હતાં. મુખ્ય માગણી ઓબીસી અનામતની હતી. વળી જ્યાં સુધી ઓબીસી ક્વૉટાની વાત છે, તો સરકારે એ સમયે કહ્યું હતું કે કાનૂની-બંધારણીય જટિલતાના કારણે પાટીદારોને ઓબીસીનો દરજ્જો આપવો ગુજરાત સરકારના હાથની વાત નથી.

"બીજું કે આંદોલન સમયે (કથિત) પોલીસ દમનમાં તથા હિંસા વેળા જે લોકોનાં મોત થયા હતાં તેમના પરિવારોને સરકારી નોકરીઓ-વળતર આપવાની વાત હતી."

"પણ સરકારે તેમાંથી માત્ર કેટલાક કેસો જ પરત ખેંચ્યા છે, જે પૂરતું નથી. અને નોકરીઓ પણ નથી મળી. સરકાર તેનો વાયદો ચૂકી ગઈ છે."

"એ વખતે પાટીદાર યુવાનો પર સંખ્યાબંધ કેસો થયા હતા. આજે પણ તે કેસો ચાલુ છે. ઉપરાંત હવે તો ઓબીસી મામલે પણ રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. તે રાજ્ય સરકારના હાથમાં છે. ચૂંટણી આવે છે. એટલે અમે સરકાર સમક્ષ મજબૂતીથી રજૂઆત અને માગણીઓ મૂકીશું."


માગણીઓ ન સંતોષવામાં આવી તો શું કરશે?

આ મામલે લાલજી પટેલ કહે છે, "અમે હવે પહેલા જેવી ભૂલ નહીં કરીએ. અમે એવી રીતે આંદોલન નહીં કરીએ જેમાં હિંસા થાય અને અન્ય સમાજના વર્ગોને પણ પરેશાની વેઠવી પડે."

"અમારી માગ જો શાસક પક્ષ અને વિપક્ષ નહીં માને તો અમે અમારા જિલ્લા-તાલુકા અને ગામડે ગામડે સંગઠનના યુવાનોને મોકલીશું તેઓ ગામના-સમુદાયના લોકોને જઈને મળશે અને તેમને સમજાવશે કે તમારી માગણીઓ હજુ સંતોષાઈ નથી. હવે તેનું તમારે શું ક6રવું એ તમે જ નક્કી કરો."

"જરૂર પડે તો રાજકીય પક્ષોના બહિષ્કાર અને મત કોને આપવો એ વિશે જાગૃતિ ફેલાવીશું. 18 હજારથી વધુ ગામોમાં ખૂબ જ સક્રિય સંગઠન માળખું છે."

"અમારી સંગઠનશક્તિ પણ મજબૂત છે. અમે અમારા 'મત'નો ઉપયોગ કરીને અમારા સમાજ-સમુદાય માટે લડાઈ લડીશું."

ગુજરાતમાં પાટીદારોના પ્રભાવ અને એસપીજી સંગઠનના વ્યાપ વિશે જણાવતા લાલજી પટેલ ઉમેરે છે, "સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પાટીદારોનું સંગઠન અને એકતા મજતૂબ છે. અમરેલી, મહેસાણા, મોરબી સહિતના જિલ્લામાં પાટીદારોની નોંધપાત્ર વસતિ છે."

"અમદાવાદમાં 2 લાખથી વધુ પાટીદાર પરિવારો રહે છે. સુરતમાં પણ પાટીદારોની વસતિ વધારે છે. અમે અહીં પૂરતો પ્રયાસ કરીશું."

દરિમાયન બીબીસીએ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ વાતચીત કરી. વર્તમાનમાં તેઓ ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે.

તેમણે આ સમગ્ર મામલે બીબીસીને કહ્યું,"હું તો શરૂઆતથી નિર્દોષ પાટીદારો સામેના કેસો પાછા ખેંચાય અને મૃતકોના પરિવારના સભ્યોને સરકારી નોકરીની માગ કરતો જ આવ્યો છું. આ મારી જ તો માગણીઓ રહી છે. અને હું તેના માટે આજે પણ કાર્યક્રમો કરું છું."

"ખરેખર ગુજરાતની સરકારે વચન નથી પાળ્યું. તેમણે આ બન્ને બાબતો માટે વાયદો કર્યો હતો. પણ આજે પણ હું પાટીદારો મામલેની આ માગણીઓ પર અડગ છું. કેસો પાછા ખેંચાવા જ જોઈએ."

"વળી, જ્યાં સુધી ઓબીસી ક્વૉટાની વાત છે, તો હવે તો રાજ્ય સરકાર પાસે અધિકાર આવી ગયો છે. પહેલાં કહેતા કે અમારા હાથમાં નથી. પણ હવે તો તેમના હાથમાં છે. રાજ્ય સરકાર આર્થિક-સામાજિક સર્વેક્ષણ કરાવે તો 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે."

તદુપરાંત જાતિગત વસતિગણતરીના મુદ્દે પૂછાયેલા સવાલ વિશે હાર્દિક પટેલ કહે છે,"આ બાબતે પણ હું શરૂઆતથી જ તેની તરફેણમાં રહ્યો છું. આનાથી વર્તમાન સમયમાં ઓબીસીની કેટલી વસતિ છે, એ જાણવા મળી શકે છે. પરંતુ સરકારનું વલણ આ મામલે વિરોધાભાસી લાગે છે."

પાટીદાર અનામત સમયની માગણીઓ સંબંધિત કાર્યક્રમોમાં શું આમંત્રણ મળે તો સમર્થન માટે તમે જશો કે નહીં?

આ સવાલના જવાબમાં હાર્દિક પટેલ કહે છે, "હા તેઓ (એસપીજી કે પાસ) બોલાવશે તો હું ચોક્કસ જઈશ. હું ખુદ પણ કાર્યક્રમ કરું જ છું. સમાજના કામ માટે હંમેશાં સક્રિય જ છું."

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની જેમ પાટીદાર સમુદાયનો એક બીજો યુવા ચહેરો જે રાજનીતિમાં સક્રિય થયો છે તે છે ગોપાલ ઇટાલિયા.

ગોપાલ ઇટાલિયા પણ અનામત આંદોલન સમયે સક્રિય હતા. પણ વર્તમાનમાં તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે.

બીબીસીએ તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં બીબીસીને તેઓ જણાવે છે, "હું માનું છું કે માત્ર પાટીદાર જ નહીં પણ અન્ય બધા જ આંદોલનોમાં નિર્દોષો પર થયેલા કેસો પાછા ખેંચાવા જોઈએ. તેને મારું સમર્થન છે.

તેઓ ઉમેરે છે, "આ ઉપરાંત જ્યાં સુધી મૃતકોના પરિવારોને નોકરી-વળતરનો મુદ્દો તથા આખાય સમુદાય માટે ઓબીસી ક્વૉટાની વાત છે, તો એ વિશે અમે પાર્ટીમાં આંતરિક વિચાર-વિમર્શ કરીશું પછી સત્તાવાર જાહેરાત કરીશું."


આંદોલન સમયમાં પાટીદાર નેતાઓ પર થયેલા કેસોની સ્થિતિ

લાલજી પટેલ વર્તમાન સમયમાં જે મુદ્દા પર તાત્કાલિક ન્યાયની માગ કરે છે તે પાટીદાર યુવાનો સામે થયેલા કેસ પાછા ખેંચવાની બાબત છે.

તેઓ કહે છે, "એસપીજી સાથે જોડાયેલા હોય તેવા અન્ય લોકો પર 40થી વધુ કેસો છે. મારા ખુદના સામે 24 કેસો હતા. તેમાંથી બે મુખ્ય કેસો છે. જોકે, એક મુખ્ય કેસમાં સજા સામે હાઈકોર્ટ તરફથી 'સ્ટે' મળેલો છે.

સુરતથી 'પાસ'ના અન્ય એક નેતા અલ્પેશ કથીરિયાએ બીબીસી સાથે આ વિશે વાત કરી.

તેઓ કેસ વિશે જણાવતા કહે છે, "જ્યાં સુધી કેસની વાત છે તો મારા પર 19 કેસ છે, જેમાંથી બે રાજદ્રોહના છે. હાર્દિક પટેલ પર કુલ 34 કેસો હતા, તેમાં પણ રાજદ્રોહનો કેસ સામેલ છે.

"ગુજરાતની વાત લઈએ તો લગભગ કુલ 250થી વધુ કેસો સરકારે પાછા ખેંચવાના બાકી છે. જેમાં નિર્દોષ પાટીદાર યુવકો સામેના કેસ પાછા ખેંચાય એવી અમારી તીવ્ર માગ છે.

લાલજી પટેલ અને અલ્પેશ કથીરિયા એકસાથે લડત ચલાવશે?

આ વિષયે લાલજી પટેલ સ્પષ્ટ કહે છે કે, "અમે 'પાસ' સાથે સંકલન કરીશું. જોકે હાલ તેમાં ધરાતલ પર કોઈ નેતૃત્વ નથી જોવા મળી રહ્યું. હાર્દિક પટેલ પછી અલ્પેશ કથીરિયા કમાન સંભાળી રહ્યા છે. છતાં અમે તેમની સાથે સંકલન માટે તૈયારી બતાવી છે."

બીજી તરફ અલ્પેશ કથીરિયા કહે છે, "અમારી મુખ્ય બે માગ જેને અમે પ્રાથમિકતા આપીએ છે તેમાં પાસના યુવકો સામેના કેસ પાછા લેવાની માગ અને મૃતકોના પરિવારના સભ્યને વળતર તથા સરકારી નોકરીની માગ સામેલ છે."

"અનામતની માગ હતી અને તે ચાલુ જ છે. તેના વિશે અમે અમારા ઊંઝા, ખોડલધામના વડીલો સાથે ચર્ચા-વિચારણા કર્યાં પછી નિર્ણય કરીશું.

"આથી આ માગણીઓ મામલે જો એસપીજી સાથે આવશે તો તેમને પણ સાથે લઈને ચાલીશું. અમે સમાજના કામ માટે એકજૂથ થઈને જ લડીશું."

અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો. એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં મહત્ત્વનાં પદો પર છે.

હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયા, અલ્પેશ ઠાકોર સહિતના ઘણા યુવા હવે સક્રિય રાજકારણમાંના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે.

આથી સ્વાભાવિ છે કે અનામતના આ જૂના સાથીઓ તરફથી 'પાસ' અને 'એસપીજી'ના નેતાઓને અનામત સમયની માગણીઓ મામલે સમર્થનની અપેક્ષા હોય.

અલ્પેશ કથીરિયાને આ અપેક્ષા મુદ્દે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેઓ ટેકો સ્વીકારવા તૈયાર છે.

'પાસ'ના નેતા કથીરિયા પ્રત્યુત્તરમાં જણાવે છે, "જ્યાં સુધી અનામત આંદોલન સમયના સાથીઓના રાજકીય જોડાણની વાત છે, તો એક સમાજની વ્યક્તિ તરીકે જરૂર પડ્યે જો તેઓ અમારી સાથે આવે તો અમે જરૂરથી તેમને આવકારીશું. અમારા મુદ્દાઓને જો તેઓ સમર્થન આપશે તો અમે તેને સ્વીકારીશું."


આંદોલનની માગણીઓ મામલે સુરતની ભૂમિકા

આંદોલન સમયે સુરતની ભૂમિકા નોંધપાત્ર રહી હતી તો આ વિશે આપનું શું કહેવું છે? તેના વિશે કથીરિયા ઉમેરે છે, "આ ખૂબ જ લાંબું ચાલેલું આંદોલન છે. અને એ સમયે પણ સુરતની ભૂમિકા મહત્ત્વની રહી હતી તથા ભાવિમાં પણ સુરતની ભૂમિકા મહત્ત્વની જ રહેશે."

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર રાજકારણ સંબંધિત ચૂંટણીલક્ષી રાજનીતિ મુદ્દે સુરતની ભૂમિકા એક પૉલિટિકલ લૅબ તરીકે ઊપસી આવી હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીના નોંધપાત્ર ઉદય મામલે પણ આ જ ફૅક્ટર અસરકારક રહ્યું છે.


શું પાટીદારો હવે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે?

શું આમ આદમી પાર્ટી તરફ વળશે પાટીદારો?

લાલજી પટેલ પાટીદાર પ્રજાના રાજકીય વલણ પર ટિપ્પણી કરતા કહે છે, "2015થી આંદોલન શરૂ થયું હતું અને સ્વાભાવિક છે કે આંદોલન જે સત્તાપક્ષ હોય એની જ સામે થાય."

"વળી એ સમયે અમારા સમુદાયના લોકો જેઓ સત્તામાં કે સત્તાપક્ષમાં હતા તેમણે લોકસભા-વિધાનસભામાં અમારા મુદ્દાઓ અને માગણીઓને યોગ્ય મજબૂતીથી ટેકો ન આપ્યો."

"ઉપરાંત સમાજને હવે કૉંગ્રેસ તરફે પણ હાર્દિક પટેલ મામલે જે થયું તેનાથી થોડું અંતર આવી ગયું છે. આમ હવે તેઓ આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આથી સ્વાભાવિક છે કે તેના તરફી વલણ જોવા મળી રહ્યું છે."

"તેમ છતાં અમે તો અમારા મુદ્દાઓને સમર્થન આપનારા તમામ વ્યક્તિઓને આવકારીશું પછી ભલે તે કોઈ પણ પક્ષની હોય."

"જ્યાં સુધી મારા પોતાની વાત છે, તો હું 1996થી સરદાર પટેલ ગ્રૂપમાં સક્રિયપણે કાર્યરત છું. હું માત્ર મારા સમાજ અને સંગઠન માટે જ કામ કરીશું. હું કોઈ પક્ષ સાથે જોડાઈશ નહીં."

અત્રે એ પણ નોંધનીય છે કે તાજેતરમાં બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેના એક ઇન્ટરવ્યૂમાં લાલજી પટેલને જ્યારે પૂછ્યું હતું કે, "ભાજપને લાલજી પટેલ માટે 'સોફ્ટ કૉર્નર' છે એવી પણ ચર્ચા રહેતી હોય છે, તો આ વિશે શું કહેશો?"

તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "જો આવું હોત તો મારી સામે 24 કેસ ન થયા હોત. મારી સામે કેસો ચાલે છે. હું પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છું."

https://www.youtube.com/watch?v=wHFUvhDwl0c

પાટીદારોને સરકારે આપેલા વચનો અને તેમની હાલની વર્તમાન માગણીઓ પર સરકારનું શું કહેવું છે એ જાણવા બીબીસીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી.

પરંતુ તેઓ કોઈ પ્રતિક્રિયા કે ટિપ્પણી માટે ઉલપબ્ધ નહોતા. તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થશે તો તેને સામેલ કરી લેવામાં આવશે.

આ સમગ્ર મુદ્દે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "હાલની માગણીઓની વાત માત્ર ચૂંટણીલક્ષી રમત છે. આપ, કૉંગ્રેસ, ભાજપ તમામ આ મુદ્દે રાજનીતિ કરે છે. પાટીદારોની મુખ્ય માગણી ઓબીસી અનામતની હતી."

"દર ચૂંટણી સમયે આ મુદ્દો ફરીફરીને આવતો જ હોય છે. હવે તો ઓબીસી મામલે પણ કેન્દ્ર સરાકેર સ્પષ્ટતા કરી દીધી છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રોહિણીના વડપણમાં પંચ નીમાયેલું તે ઓબીસી ક્વૉટાના માળખા મામલે તૈયારી પર કરી રહ્યું છે. તેમાં ઘણી કામગીરી જોવા મળી રહી છે."

"અનામતની 50 ટકાની મર્યાદા કેટલાક રાજ્યો વટાવી ચૂક્યા છે. જોકે તેમના આ ક્વૉટાને પડકારતી પિટિશનો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કેસ ચાલુ જ છે."

"ક્રિમિલેયરની આવકમર્યાદાને પણ વધારવાની વાત છે. આ બધું જોઈને સવાલ એ થાય છે કે ખરેખર જે ગરીબ અને જરૂરિયાતમંદ છે તેના સુધી આ લાભો ક્યારે અને કેવી રીતે પહોંચી શકશે."

"મહિને એક લાખ રૂપિયાની આવક ધરાવનાર જો નોન-ક્રિમિલેયરમાં આવી જાય તો પછી છેવાડાના ગરીબનું શું થશે? એના સુધી આવા લાભો ક્યારે પહોંચશે?"

શું આ પ્રકારના આંદોલનોથી સરકારના નીતિવિષયક નિર્ણયોમાં મોટો પ્રભાવ પડતો હોય છે કે કેમ એ વિશે પૂછતા હરિ દેસાઈ કહે છે, "સરકાર પાસે નીતિ બનાવવાની શક્તિ છે. આંદોલનથી શું મળ્યું એ કહેવું મુશ્કેલ છે, કેમ કે આંદોલનના રાજકીય-સામાજિક પાસાઓ તેની અસર અલગ રીતે છોડતા હોય છે."

"જ્યાં સુધી કેસો પાછા ખેંચવાની વાત છે, તો સરકારે રાજદ્રોહ પ્રકારના કેસો પાછા નથી ખેંચ્યા. બાકીના કેટલાક કેસો પાછા ખેંચ્યા છે."


પટેલ અને અનામતવિરોધી આંદોલન

ગુજરાતના રાજકીય ઇતિહાસને જોઈએ તો પટેલોએ ગુજરાતમાં 1981 અને 85માં બબ્બે અનામતવિરોધી આંદોલનો કર્યાં હતા

ગુજરાતના રાજકીય ઇતિહાસને જોઈએ તો પટેલોએ ગુજરાતમાં 1981 અને 85માં બબ્બે અનામતવિરોધી આંદોલનો કર્યાં હતા અને 149 બેઠકોની ઐતિહાસિક બહુમતીવાળી માધવસિંહ સોલંકી સરકારને ઘર ભેગી કરી.

આ જ પટેલોએ 30 વર્ષ પછી 2015માં અનામત મેળવવા આંદોલન કર્યું અને આનંદીબહેન 'પટેલ'ની જ સરકાર ઉથલાવી દીધી.

વળી બીજી તરફ અત્યારના પટેલો કહે છે, 'મુખ્ય મંત્રી અમારા પટેલોમાંથી જ બનવા જોઈએ'. જોકે એક વાત એ પણ છે કે ચીમનભાઈ, બાબુભાઈ, કેશુભાઈ કે આનંદીબહેન પટેલોને જ મુખ્ય મંત્રી બનાવો કહીને મુખ્ય મંત્રી નહોતાં બન્યાં.

તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, 'પાટીદાર એટલે ભાજપ' પણ આ વિવાદિત બન્યું હતું તો ખોડલધામના નરેશ પટેલનું નિવેદન કે 'મુખ્ય મંત્રી પાટીદાર જ હોવો જોઈએ' પણ ચર્ચાનો વિષય બન્યું હતું.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/Z5GuxcFCbls

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Patidar in power, Patidar in opposition yet shouts to keep promises?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X