કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહેલ આપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ
Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે દિલ્હી લિકર પૉલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં ધરપકડ થનાર તેઓ પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી છે.
શુક્રવારે એટલે કે આજે આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટ આપની કાનૂની ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરી શકે છે. આ દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ધરપકડ શરુ થઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, સંદીપ પાઠક અને આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી અને કહ્યું કે અમારી લડાઈ શેરીઓથી લઈને કોર્ટ સુધી ચાલુ રહેશે. ગોપાલ રાયે કહ્યું કે લાંબા બલિદાન પછી આ દેશને બંધારણ મળ્યું અને તેણે જનપ્રતિનિધિઓને પસંદ કરવાનો અધિકાર આપ્યો, પરંતુ આજે આખો દેશ ચોંકી ગયો છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પીએમ મોદીએ જંગી બહુમતી સાથે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરી છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. સીએમની ધરપકડ પર આક્રોશ વ્યક્ત કરતા AAPના દિલ્હી કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરી રહી છે. તે કોઈપણ કિંમતે કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે.
તેમણે વધુમાં કહ્યુ કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની હારથી એટલી ડરી ગઈ છે કે તે કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવા માંગતી હતી. ભાજપના આ ઈરાદાને પૂર્ણ કરવા માટે EDએ ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી છે. ગોપાલ રાયે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું અને કહ્યું હતુ કે દરેક વ્યક્તિએ પોતાના વાહનો, બસ, ઓટો, મેટ્રો અથવા કોઈપણ માધ્યમથી રાઉઝ એવન્યુમાં AAP હેડક્વાર્ટર પહોંચે. જે બાદ અમે ભાજપના હેડક્વાર્ટરનો ઘેરાવ કરીશું.












Click it and Unblock the Notifications
