ગીર અને કાંકરેજ ગાય જેવી શ્રેષ્ઠ અને સ્થાનિક ઓલાદોનું સંરક્ષણ અને શુદ્ધ સંવર્ધન થવું ખૂબ જ જરૂરી: રાઘવજી
શુદ્ધ સંવર્ધનથી સ્થાનિક ઓલાદ ગાયોની સંખ્યા વધશે તો પરિણામે રાજ્યમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદનમાં પણ વધારો થશે
ગુજરાતની ગીર, કાંકરેજ અને ડગરી ગાય જેવી શ્રેષ્ઠ અને સ્થાનિક ઓલાદોનું સંરક્ષણ અને શુદ્ધ સંવર્ધન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ રાજ્ય સરકારે સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે, તેમ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહ ખાતે કૃત્રિમ બીજદાન યોજના અંતર્ગત પશુપાલકોને પ્રોત્સાહન યોજના અંગે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2021માં 146 અને વર્ષ 2022માં 195 મળી કુલ 341 પશુપાલકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂ. 4.38 લાખ અને વર્ષ 2022માં રૂ. 5.85 લાખને મળી કુલ રૂ. 10.23 લાખની રકમ સહાય પેટે આપવામાં આવી છે.
રાજ્યમાં શુદ્ધ સંવર્ધન થકી સ્થાનિક ઓલાદ ગાયોની સંખ્યા વધુમાં વધુ હોય તો તેના પરિણામે રાજ્યમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદન સાથે પશુપાલકોની આવકમાં પણ વધારો થશે, તેમ મંત્રીએ અંતમાં જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
