મોદીજી મીડિયામાં સચ્ચાઇનું ફાઇન ટ્યૂનિંગ કરે છે: રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, 11 નવેમ્બર અને શનિવારથી પોતાની નવસર્જન યાત્રાનો આરંભ કર્યો હતો. પોતાની યાત્રાના બીજા દિવસે રવિવારે સવારે તેમણે અંબાજી ખાતે સોશિયલ મીડિયા અને આઇટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. અંબાજી ખાતે યોજાયેલ સોશિયલ મીડિયા સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ સૌ પ્રથમ ત્યાં હાજર લોકોને પોતાની વાત કહેવાની તક આપી હતી. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીના ટ્વીટ અંગે અનેક વાતો થઇ રહી છે, રાહુલ ગાંધી થોડા સમય પહેલાં સૌથી વધારે ટ્વીટ કરનારા ભારતીય નેતા બન્યા હતા. આ અંગે તેમણે હસતા હસતા કહ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું છે કે, મારા ટ્વીટ પિદ્દી કરે છે. સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે, ટ્વીટર એકાઉન્ટના રુટિન કામ હું નથી કરતો, પરંતુ પોલિટિકલ મુદ્દાઓ પર મારા વિચારો હોય છે.

rahul gandhi

'ગુજરાતમાં વિકાસ પાગલ થયો એ સાચી વાત છે'

સોશિયલ મીડિયા પર ભાજપ દ્વારા કોંગ્રેસને ટ્રોલ કરવામાં આવે છે, એ અંગે તેમણે કહ્યું કે, આવી બેઠકોમાં તમે અહીં એકબીજાના ચહેરાઓ જુઓ, બધાના હસતા મોઢા દેખાશે. ભાજપની આવી બેઠકમાં તમને કોઇ હસતુ મોઢું નહીં દેખાય, બધા ચહેરા ગંભીર ભાવ લાવીને બેઠા હશે. આ બે પક્ષ વચ્ચેની વિચારધારાનો ફરક છે. કોંગ્રેસ પક્ષ બીજાની ભૂલ નથી કાઢતી, તે પોતાની ભૂલ-સુધારણા પર ધ્યાન આપે છે. જીએસટી, નોટબંધીમાં નરેન્દ્ર મોદીજીની ભૂલ હતી, તેમણે એક પણ વાર ભૂલ સ્વીકારી નથી. તેઓ આજે પણ આ નિર્ણયને સાચો ઠરાવે છે. એ લોકો જે રીતે ગુસ્સો ફેલાવે છે, એ કામ તમે નહીં કરી શકો. પરંતુ સાચી વાત બહાર લાવવાનું કામ ચોકક્સ કરો. અમે ભાજપની ભૂલ હશે તો કહેશું, નરેન્દ્ર મોદીની ભૂલ હશે તો કહેશું પરંતુ વડાપ્રધાન પદનું અપમાન ક્યારેય નહીં કરીએ. અમે સાચી વાત ચોક્કસ બોલીશું અને એ વાત સાચી છે કે, ગુજરાતમાં વિકાસ પાગલ થઇ ગયો છે.

'મોદીજી મીડિયામાં સચ્ચાઇનું ફાઇન ટ્યૂનિંગ કરે છે'

તેમણે આગળ કહ્યું કે, ગઇ સદીમાં બ્રિટિશ સરકાર પાસે સૌથી શક્તિશાળી સેના હતી અને સામે આપણાં ક્રાંતિકારીઓ પાસે સચ્ચાઇ, ખાદી અને ચરખો હતો. છતાં જીત સચ્ચાઇની, ગાંધીજી-નેહરુ-સરદારની અને કોંગ્રેસ પાર્ટીની થઇ હતી. આજે નરેન્દ્ર મોદીજી પાસે કેન્દ્રની સરકાર, ગુજરાત સહિત અનેક રાજ્યોની સરકાર છે, સેના, વાયુસેના, પોલીસ છે, મીડિયા છે. નરેન્દ્ર મોદીજી મીડિયામાં સચ્ચાઇનું ફાઇન ટ્યૂનિંગ કરે છે. મીડિયા સચ્ચાઇ લખે છે અને તેઓ ફાઇન ટ્યૂન કરે છે, એડિટ કરે છે. પરંતુ લોકો સામે સાચી વાત આવ્યા વગર રહેતી નથી. મીડિયા પર એ લોકોનો કંટ્રોલ હોઇ શકે, સોશિયલ મીડિયા પર નથી. અહીં તમે સાચી વાત બોલી શકો છો. આ કાર્યક્રમમાં એક કાર્યકર્તાએ રાહુલ ગાંધીને પૂછ્યું કે, ભાજપ તમારી હંમેશા મજાક ઉડાવે છે, શું આ વાતથી તમે વિચલિત નથી થતા? તમે હાર્યા વિના કામ કરો છો, તો હું તમારી તાકાત અને આની પાછળનું રહસ્ય જાણવા માંગુ છું. ત્યારે આનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું શિવજીની ફિલોસોફી પર કામ કરું છું. મારી સચ્ચાઇ હું જાણું છું અને એની પર હું કામ કરું છ. ભાજપ મારી છબી ગમે એવી બનાવે, મારી છબી ખરડવા માટે ગમે એટલા પૈસા ખર્ચે, પરંતુ મારી સચ્ચાઇ લોકોને દેખાશે.

English summary
Congress VP rahul Gandhi is on 3 day visit to Gujarat. He started his 2nd day with a Sanvaad program with social media & IT volunteers at Ambaji, Banaskantha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.