અલ્પેશ જોડાયા કોંગ્રેસમાં, હવે રાહુલના નિશાના પર હાર્દિક?

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષના મોટા નેતાઓની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. હજુ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની એક દિવસીય ગુજરાત મુલાકાતથી પરત ફર્યા છે, ત્યાર બાદ હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની યાત્રા પર છે. તેઓ બપોરે 12.30 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે અને ત્યાર બાદ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ભાગ લેશે.

નવસર્જન જનાદેશ મહાસંમેલન

નવસર્જન જનાદેશ મહાસંમેલન

આ રેલીનું આયોજન અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. શનિવારે જ અલ્પેશે ઠાકોરે જાહેરાત કરી હતી કે, તેઓ 23 ઓક્ટોબરના રોજ અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાશે. આ રેલીમાં હાજર રહેવા માટે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તથા રેલી બાદ પણ રાહુલ ગાંધી આ બે યુવા નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરે એવી સંભાવના છે. છેલ્લા કેટલાયે સમયથી ગુજરાતના રાજકારણમાં વમળો ઊભા કરતાં આ નેતાઓ સાથેની રાહુલની બેઠક બાદ કયો નવો વળાંક આવે છે એ જોવું રહ્યું.

નિખિલ સવાણી

નિખિલ સવાણી

પૂર્વ પાસ કન્વીનર અને બે અઠવાડિયા પહેલાં ભાજપ સાથે જોડાયેલા નિખિલ સવાણીએ પણ સોમવારે સવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભાજપને ચૂંટણી પહેલા જ પાટીદારો યાદ આવે છે. ચૂંટણી પહેલા જ શા માટે તેમણે હકારાત્મક વલણ અપનાવ્યું? હું પહેલા પણ હાર્દિક સાથે હતો અને આજે પણ હાર્દિક સાથે છું. આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીની અપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરીશ અને જો મુલાકાત શક્ય બની તો તેમની સામે મારો પોઇન્ટ ઓફ વ્યુ મુકીશ.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

શનિવારે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને પણ પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, હાર્દિક પટેલે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કર્યા બાદ પાસના બે મોટા નેતાઓ રેશ્મા પટેલ અને વરુણ પટેલે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા તથા ત્યાર બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં હાર્દિક પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ત્યાર બાદ રવિવારે હાર્દિકે વડોદરામાં ખેડૂત પંચાયતનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. હવે સોમવારે યોજાનાર અલ્પેશ ઠાકોરની રેલીમાં હાર્દિક હાજરી આપે છે કે કેમ તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે છે કેમ એ જોવું રહ્યું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

રાજ્યમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખો જાહેર થાય એની સૌ રાહ જોઇ રહ્યાં છે, એવામાં આચારસંહિતા લાગુ પડે એ પહેલાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની ભરમાર સાથે રાજકારણમાં અનેક મોટા વળાંકો પણ જોવા મળ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી બાદ તુરંત યોજાયેલ રાહુલ ગાંધીની આ ગુજરાત યાત્રા અત્યંત મહત્વપૂર્ણ છે, વળી એક-બે દિવસમાં ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે એવી પણ શક્યતા છે. એવામાં રાહુલ ગાંધીની સોમવારની મુલાકાત દરમિયાન રાજકારણમાં વધુ ટ્વીસ્ટ જોવા મળે તો પણ નવાઇ નહીં.

English summary
Gujarat Elections 2017: Rahul Gandhi to address Navsarjan Janadesh Mahasammelan and likely to meet Hardik Patel too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.