રાજકોટ: દિવ્યનીલ પર હુમલો, ભાજપના કાર્યકરો સામે રાયટનો ગુનો

Subscribe to Oneindia News

શનિવાર રાતથી રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યુગુરૂના ભાઈ પરના હુમલા બાદ રાજકોટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરૂએ કરેલી ફરિયાદને આધારે પોલીસે ભાજપ કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ કેસમાં ક્રાઇમ બ્રાંચે રાજેશ રામભાઇ ડાંગર અને શૈલેષ ભરવાડ સહિત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છ જણા સામે ગુનો નોંધ્યો હોવાની માહિતી સામે આવી છે. જો કે, શનિવારે રાત્રિ બાદ ઇન્દ્રનીલ રાજયગુરૂને પોલીસે અટકાયતમાંથી છોડયા હતા. ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલ સંજયભાઇ રાજ્યગુરૂ (ઉ.45 રહે.401-એડેલ્ફી એપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે)ની ફરિયાદ પરથી રાજુ ડાંગર, શૈલેષ ભરવાડ તથા તેની સાથેના છ-સાત અજાણ્યા શખ્સો સામે આઇપીસી 143, 323, 427, જીપી એક્ટ 135 (1) મુજબ ગુનો નોંધાયો છે.

Rajkot


દિવ્યનીલ રાજ્યગુરૂની ફરિયાદ

દિવ્યનીલે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સંજયરાજ ઓટોલિંક નામે ઓટો મોબાઇલને લગતો ધંધો કરુ છું. મારા મોટાભાઇ ઇન્દ્રનીલભાઇ વિધાનસભા-2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી રાજકોટ-69માં ઉમેદવાર છે. શનિવારે રાત્રે પોણા નવેક વાગ્યે હું તથા અંકુર માવાણી અને અન્ય કાર્યકરો ઇન્દ્રનીલભાઇની છોટુનગર પાસે આવેલી ઓફિસે બેઠા હતાં. ત્યાંથી પક્ષના જાહેરાતના બોર્ડ લગાડવાનો અમે કોન્ટ્રાકટ આપ્યો હોવાથી કાન્ટ્રાકટર રૈયા રોડ બ્રહ્મસમાજના વરંડા અંદર કોંગ્રેસ પક્ષનો જાહેરાતનો બોર્ડ લગાડવા ગયા હતાં. ત્યારે કોઇ કાર્યકરે બોર્ડ લગાડવાની ના પાડ્યાની જાણ થતાં હું તથા અંકુર માવાણી રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં વરંડા પાસે ગયા હતાં. ત્યારે ત્યાં રાજુ ડાંગર અને બીજા માણસો હાજર હતા. તેમણે પુછ્યું હતું કે, તમારામાંથી ઇન્દ્રનીલભાઇ કોણ છે? આથી મેં કહ્યું હતું કે, હું તેમનો નાનો ભાઇ છું. તે સાથે જ રાજુ અને સાથેના માણસોએ હુમલો કર્યો હતો. જેમાં મને આંખ ઉપરના ભાગે તેમજ વાંસા તથા પગમાં ઇજા થઇ હતી. હું મારથી બચવા દુર ખસી ગયો હતો. ટોળુ ભેગુ થઇ જતાં રાજુ ડાંગર, શૈલેષ ભરવાડ સહિત છ-સાત શખ્સો નાશી ગયા હતાં. થોડીવાર બાદ મારો ભાણેજ કૃણાલ મહેતા આવી જતાં મને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઇન્દ્રનીલભાઇએ બ્રહ્મસમાજ વરંડામાં બોર્ડ લગાડવાની મંજુરી મેળવી હતી. અગાઉ લગાડેલુ બોર્ડ તુટી ગયું હોઇ બીજુ લગાવવા જતાં ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ બોર્ડ લગાડવાની ના પાડી અમારી સાથે ઝઘડો કર્યો હતો અને કોંગ્રેસનું બોર્ડ તોડી નાંખ્યું હતું.

English summary
Rajkot: Indraneel Rajyaguru complaint against BJP candidate.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.