રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ
Rajkot News: સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ અને સમગ્ર પ્રદેશના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) થી મુંબઈ માટેની એર કનેક્ટિવિટીમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 29 માર્ચથી રાજકોટ અને મુંબઈ વચ્ચે વધુ 2 નવી ફ્લાઈટ ઉડાન ભરશે.

ઈન્ડિગો એરલાઇન્સની નવી સુવિધા
રાજકોટથી મુંબઈ વચ્ચે મુસાફરોનો ધસારો જોતા ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા છેલ્લા 12 દિવસમાં કુલ બે નવી ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ સવારની એક ફ્લાઈટ જાહેર કરાયા બાદ હવે સાંજની વધુ એક ફ્લાઈટનો ઉમેરો કરવામાં આવ્યો છે.
નવી ફ્લાઈટનું શેડ્યૂલ:
- ફ્લાઈટ નંબર 6E 2100: મુંબઈથી સાંજે 18:05 કલાકે ઉપડશે અને 19:05 કલાકે રાજકોટ લેન્ડ થશે.
- ફ્લાઈટ નંબર 6E 2104: રાજકોટથી સાંજે 19:35 કલાકે ટેક-ઓફ કરશે અને 20:50 કલાકે મુંબઈ પહોંચશે.
વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ખુશી, પણ એક નારાજગી યથાવત
મુંબઈએ દેશનું આર્થિક કેન્દ્ર હોવાથી રાજકોટ, જામનગર અને મોરબીના ઉદ્યોગપતિઓને આ નવી ફ્લાઈટ્સથી ઘણો ફાયદો થશે. મુંબઈની કનેક્ટિવિટી વધવાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા મુસાફરોને પણ સરળતા રહેશે. જોકે, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા છતાં હજુ સુધી એક પણ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ ન થતા વેપારી આલમમાં થોડો રોષ પણ જોવા મળી રહ્યો છે.
હવે રાજકોટ-મુંબઈ વચ્ચે રોજની 6 ફ્લાઈટ ગજવશે આકાશ
વર્તમાન સમયમાં રાજકોટથી મુંબઈ માટે ઈન્ડિગોની 3 અને એર ઈન્ડિયાની 2 મળી કુલ 5 ફ્લાઈટ કાર્યરત છે. 29 માર્ચથી સવાર અને સાંજની ફ્લાઈટ ઉમેરાતા હવે મુસાફરો પાસે કુલ 6 ફ્લાઈટના વિકલ્પો ઉપલબ્ધ હશે.
ટૂંકમાં: આ નવી ફ્લાઈટથી સૌરાષ્ટ્રના બિઝનેસ સેક્ટરને નવી ગતિ મળશે અને મુંબઈ જનારા મુસાફરોનો સમય બચશે.












Click it and Unblock the Notifications
