સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના ડિઝાઇનર પદ્મશ્રી રામ સુતારનું નિધન
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર શિલ્પકાર પદ્મશ્રી રામ સુતારનું લગભગ 100 વર્ષની વયે નોઈડાના સેક્ટર 19 સ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેમને તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ સહિત પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને ટાગોર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.

રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સુથાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા પ્રત્યે ઊંડો લગાવ ધરાવતા સુતારની પ્રતિભાને માર્ગદર્શક રામકૃષ્ણ જોશીએ ઓળખી. તેમણે સુતારને મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કર્યા, જ્યાંથી શિલ્પકળાની તેમની યાત્રા શરૂ થઈ.
શિલ્પકળાની યાત્રા શરૂ કર્યા બાદ 1959માં રામ સુતાર દિલ્હી આવ્યા અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયમાં કામ કર્યું. જો કે, કલા પ્રત્યેના તેમના પ્રબળ સમર્પણે તેમને સરકારી નોકરી છોડી સંપૂર્ણપણે શિલ્પકળામાં ઝંપલાવવા પ્રેર્યા. 1961માં ગાંધી સાગર ડેમ પર દેવી ચંબલની 45 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી તેમણે રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી.
તેમણે ગોવિંદ વલ્લભ પંત, મહાત્મા ગાંધી (ધ્યાનસ્થ), મહારાજા રણજીત સિંહ, છત્રપતિ શાહુ મહારાજ, ઇન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ, મહાત્મા ફુલે, પંડિત નહેરુ અને શિવાજી મહારાજ જેવી અનેક અગ્રણી હસ્તીઓની પ્રતિમાઓ બનાવી જે સંસદ ભવન સંકુલ અને દેશના અન્ય ભાગોમાં સ્થાપિત છે.
રામ સુતારને પથ્થર, આરસ અને કાંસ્ય જેવા વિવિધ માધ્યમોમાં નિપુણતા હતી, જો કે કાંસ્ય તેમનું પ્રિય હતું. વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી (ગુજરાત), બેંગલુરુમાં વિશાળ શિવ પ્રતિમા, પુણેના મોશીમાં સંભાજી મહારાજની પ્રતિમા અને અયોધ્યામાં લતા મંગેશકર ચોકની વિશાળ વીણા તેમની મહત્ત્વપૂર્ણ કૃતિઓ છે. દક્ષિણ ગોવામાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા પણ તેમની નવીનતમ રચનાઓમાંની એક હતી.












Click it and Unblock the Notifications
