Ration card gujarat : રાજ્યના 56 લાખથી વધુ રેશનકાર્ડ બંધ કરાશે? જાણો સરકારે શું કહ્યું?
Ration card gujarat : ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ રાહતદરે અનાજનો લાભ લેતા લાખો રેશનકાર્ડધારકોની પાત્રતા પર સવાલ ઉઠ્યા છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 56.57 લાખથી વધુ શંકાસ્પદ રેશનકાર્ડની યાદી આપી છે, જેની હવે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર યોગ્ય અને જરૂરિયાતમંદ પરિવારોને જ સરકારી યોજનાનો લાભ મળે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે સ્પષ્ટતા કરી અનેજણાવ્યું કે જે લાભાર્થીઓ ખરેખર પાત્રતા ધરાવે છે તેમનું NFSA રેશનકાર્ડ રદ કરવામાં નહીં આવે.
જો કે, જેમની પાત્રતા શંકાસ્પદ છે તેમને મામલતદાર કચેરીમાં બોલાવીને પુરાવા રજૂ કરવા માટે તક આપવામાં આવશે.
આ ચકાસણી બાદ તાલુકા કક્ષાએ બનેલી સમિતિની સામે જે લાભાર્થીઓ પોતાની પાત્રતા સાબિત કરી શકશે તેમના નામ NFSA યાદીમાં ચાલુ રહેશે. જે જરૂરી પુરાવા આપી શકશે નહીં તેનું નામ NFSAમાંથી દૂર કરીને નોન-NFSA યાદીમાં મૂકવામાં આવશે.
જણાવી દઈએ કે, રાજ્યમાં હાલ 3.60 કરોડથી વધુ NFSA રેશનકાર્ડધારકો છે. તેમાંથી જે 56.57 લાખ કાર્ડ શંકાસ્પદ જણાયા છે અને તેમની ચકાસણી થઈ રહી છે.
અત્યાર સુધીમાં 15.66 લાખ કાર્ડધારકોની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને જે પાત્ર જણાયા છે તેમના કાર્ડ ચાલુ રાખવામાં આવ્યા છે.
સરકારના નિયમ મુજબ, 2.47 એકર જમીન મર્યાદા છે. જો કે, સિંચાઈની સુવિધા હોવા છતાં એક જ પાક લેતા ખેડૂતો માટે આ મર્યાદા 7.5 એકર છે.
આધાર કાર્ડની વિગતોમાં વિસંગતતા, બહુ લાંબા સમયથી રેશનકાર્ડનો ઉપયોગ ન થયો હોય, એકથી વધુ જગ્યાએ નામ નોંધાયેલું હોય તેવા કાર્ડની પણ તપાસ થઈ રહી છે.
- મૃત્યુ પામેલા લાભાર્થીઓ : આધાર ડેટા મુજબ 1,338 મૃત વ્યક્તિઓના નામ ચાલી રહ્યા છે.
- સાયલન્ટ લાભાર્થીઓ : 1,32,697 લાભાર્થીઓએ છેલ્લા એક મહિનાથી અને 9,76,085 લાભાર્થીઓએ છેલ્લા એક વર્ષથી રેશનકાર્ડનો ઉપયોગ કર્યો નથી.
- ડુપ્લિકેટ નામ : એકથી વધુ રાજ્યમાં અથવા ગુજરાતના અન્ય જિલ્લામાં ડુપ્લિકેટ નામ ધરાવતા 26,594 લાભાર્થીઓ.
- વય સંબંધિત વિસંગતતા : 100 વર્ષથી વધુ ઉંમરના 17,360 લાભાર્થીઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરના સિંગલ સભ્ય તરીકે 7,806 લાભાર્થીઓ.
- આવક સંબંધિત ગેરરીતિ : 79,454 લાભાર્થીઓની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવા છતાં તેઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જ્યારે 5,496 લોકો કંપનીમાં ડિરેક્ટર પદે છે અને 2,002 લોકો GST ડેટા મુજબ 25 લાખથી વધુનું ટર્નઓવર ધરાવે છે.
આ ચકાસણીનો હેતુ જરૂરિયાતમંદ લોકોને તેમના હકથી વંચિત ન રાખવાનો અને સરકારી યોજનાનો ખોટો લાભ લેતા લોકોને ઓળખીને અટકાવવાનો છે.
જો તમારી પાત્રતા સાચી હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ જો તમને શંકાસ્પદ યાદીમાં સમાવેશ થયો હોય તો મામલતદાર કચેરીમાં યોગ્ય પુરાવા રજૂ કરીને તમારું નામ ચાલુ રાખી શકો છો.












Click it and Unblock the Notifications
