રિક્ષાચાલકોનું ઉગ્ર વલણ : 26મીથી ગુજરાતભરમાં બેમુદતી હડતાલ

રવિવારે મોડી સાંજે મળેલી રિક્ષાચાલકોના 13 યુનિયનોની મિટીંગમાં કંપનીને ભાવવધારાની છૂટ અને રિક્ષાચાલકોને ભાડાવધારો નહીં આપવાની ગુજરાત સરકારની અન્યાયી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ આક્રોશને વ્યક્ત કરવા માટે રિક્ષાચાલકોએ સામુહિક નિર્ણયથી ૨૬ જાન્યુઆરીની મધરાતથી ગુજરાતવ્યાપી, બેમુદ્દતી રિક્ષાહડતાળ યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવવધારા સામે ગાંધીનગર, અમદાવાદના એક લાખ રિક્ષાચાલકોએ આદરેલી ત્રણ દિવસની રિક્ષા હડતાળ રવિવારે સાંજે પૂર્ણ થઈ હતી.
દરરોજ પચ્ચીસ લાખથી વધુ મુસાફરો રિક્ષામાં અવરજવર કરે છે. રિક્ષાચાલકોએ માંગણી કરી હતી કે CNGમાં રૂપિયા 7.15નો ભાડાવધારો પાછો ખેંચવામાં આવે અથવા તો મિનિમમ ભાડું રૂપિયા 11થી વધારીને રૂપિયા 15 કરવામાં આવે. આ સામે વાહન વ્યવહાર કમિશનરે મિનિમમ ભાડામાં માત્ર રૂપિયા એકનો વધારો કરી આપ્યો હતો.
આ નિર્ણયને અન્યાયા ગણાવીને રિક્ષાચાલકોએ ભાવવધારાના પરિપત્રની હોળી કરી હતી. રિક્ષાચાલકોનું કહેવું હતું કે સરકાર દ્વારા કંપનીઓને ગેસના ભાવમાં મન ફાવે ત્યારે અને ઈચ્છે તેટલો ભાવવધારો કરવાની છૂટ આપવામાં આવે છે. જ્યારે રિક્ષાચાલકોને મોંઘવારીમાં ભાડાવધારો કરી આપવામાં ગુજરાત સરકાર ઠાગાઠૈયા કરે છે.
રિક્ષાચાલકોના યુનિયનો રિક્ષાચાલકોની માગણી ન સ્વીકારવામાં આવતા વિશેષ આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 23થી 25 જાન્યુઆરી સુધી ઈન્કમટેક્સ સર્કલ ખાતે રિક્ષાચાલકોની 72 કલાકની ભૂખ હડતાળ યોજાશે. હડતાળમાં દરેક યુનિયનના એક-એક પ્રતિનિધિ જોડાશે અને છેલ્લે પારણા સભા યોજાશે.
જ્યારે 26 જાન્યુઆરીની મધરાતે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતના રિક્ષાચાલકોની બેમુદ્દતી હડતાળનો આરંભ કરશે. ગુજરાતના અંદાજે 8 લાખ રિક્ષાચાલકો તેમાં જોડાય અને હડતાળને સફળ બનાવી સરકાર પર દબાણ ઉભું કરવામાં સફળતા મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
