For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરુષ ‘ઉત્તમ’ કે શક્તિ ‘સિંહ’ : ભાજપને બંને હાથે લાડવાં?

By Rakesh
|
Google Oneindia Gujarati News

solanki-gohil
ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં ભાવનગર ગ્રામ્ય બેઠક પર ખરાખરીનો જંગ જામવાનો છે. એક તરફ ભાજપ તરફથી રાજ્ય સરકારમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી ચુંટણી લડી રહ્યાં છે, તો સામાપક્ષે વિધાનસભામાંના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ મેદાને છે. હવે આ ચુંટણીમાં પુરુષોત્તમ સોલંકી ‘ઉત્તમ' તરીકે ચુંટાય કે પછી શક્તિસિંહ સોલંકી ‘સિંહ' સાબિત થાય, બંને જ પરિસ્થિતિઓમાં ભાજપને ફાયદો જ થશે. ભાજપ માટે બંને હાથે લાડવા જેવી પરિસ્થિતિ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ડિસેમ્બરમાં 13મી અને 17મી તારીખે યોજાનાર છે. જેને લઇને ઉમેદવારો પસંદ કરવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે અને બન્ને મોટા પક્ષો કોંગ્રેસ તથા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પહેલાં 84 અને પછી ચાર ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી. આ વખતની ભાજપની યાદી જોવામાં આવે તો તેમાં મોદીની 'નો રીપિટ' પોલીસી ઓછી જેવા મળી છે. ગઇ વખતના 41 ધારાસભ્યોને રિપિટ કર્યા છે. તો કેટલાક નામોને લઇને ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે ભાવનગર ગ્રામ્ય બેઠક પર જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે મોદીએ એક તીરથી બે નિશાન સાધ્યા છે.

ભાવનગર ગ્રામ્યની બેઠક માટે ભાજપે પુરષોત્તમ સોલંકીના નામની જાહેરાત કરી છે, તમને યાદ હોય તો આજ બેઠક પરથી કોંગ્રેસમાથી શક્તિસિંહ ગોહિલ વિધાનસભાની ચૂંટણી લડવા જઇ રહ્યાં છે. ઉક્ત બન્ને નામ એક યા બીજી રીતે મોદીને નડી રહ્યાં છે. પુરષોત્તમ સોલંકીનું નામ ભ્રષ્ટાચારમાં સારું એવું ગાજ્યું છે, જ્યારે શક્તિસિંહ ગોહિલ શસક્ત વિપક્ષી નેતા તરીકે મોદીને સિધી ટક્કર આપી રહ્યાં છે. હાલની તકે પણ ભાજપ ખાસ કરીને મોદી સામે શક્તિસિંહ ગોહિલ એક મજબૂત વિપક્ષી રીતે પોતાની જાતને રજૂ કરવામાં સફળ થયા છે. ત્યારે ભાવનગરની ગ્રામ્ય બેઠક પરથી શક્તિસિંહ સામે પુરષોત્તમ સોલંકીને ઉભા કરીને મોદીએ એક મોટી ચાલ રમી છે.

જો પુરષોત્તમ સોલંકી વિજયી થાય તો...

ફિશરીઝ કૌભાંડમાં જેમનું નામ ઉછળેલું એવા પુરષોત્તમ સોલંકી કોળી સમાજમાં ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાવનગર ગ્રામ્ય બેઠકમાં કોળી મતો વધું છે, ત્યારે જો પુરષોત્તમ સોલંકી આ બેઠક પરથી વિજયી થાય તો ભાજપ અને મોદીને મોટી રાહત થઇ શકે છે, કારણ કે તેમની સામે કોંગ્રેસે ઉભા રાખેલા શક્તિસિંહ ગોહિલ જેવા શસક્ત વિપક્ષી નેતા વિધાનસભામાં નહીં રહે અને વિપક્ષ તરીકે આવનાર કોંગ્રેસ(જો ભાજપ પુનઃ સત્તા પર આવે તો) પાસે મોદી સામે સીધી દલીલ કરી શકે તેવો નેતા નહીં રહે.

શક્તિસિંહ વિજેતા થાય તો....

ફિશરીઝ કૌભાંડમાં મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ફિશરીઝ મંત્રી પુરષોત્તમ સોલંકીનું નામ ઉછળ્યું હતું, જેને મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો હતો અને તેના કારણે ભાજપે ઘણું સહેવું પડ્યું હતું. તેવામાં ભાવનગર બેઠક પરથી કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ વિજેતા થાય તો પણ મોદી અને ભાજપ માટે તે રાહતના સમાચાર બની શકે છે. ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર રહિત હોવાના અનેકવાર દાવા કરવામાં આવ્યા છે. તેવામાં ફિશરીઝ કૌભાંડમાં તેમના જ કોઇ નેતાનું નામ ઉછળતાં ભાજપ મુશ્કેલીમાં મુકાયું છે. જો કે, કોળી સમાજમાં સોલકીનો દબદબો હોવાના કારણે ભાજપ કોઇ આકરા પગલા લઇ શકે તેમ નહોતું. ત્યારે આ બેઠક પર તેમને સીધા શક્તિસિંહ સામે ભીડવી દેવામાં આવ્યા છે. જો આ બેઠક પર સોલંકીનો પરાજય થાય તો ભાજપ અને મોદી માટે ટાઢે પાણીએ ખસ ગઇ તેમ કહેવામાં આવે તો કોઇ ખોટું નથી.

શું હતો ફિશરીઝ કૌભાંડ

પુરષોત્તમ સોલંકી પર ઇર્શાદ મરડિયા નામના એક વ્યક્તિ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે તેમના દ્વારા પદનો દુરુપયોગ કરીને ફિશરીઝ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સોલંકીએ 2009માં ટેન્ડર વગર જ કોન્ટ્રાક્ટ આપીને સરકારની તિજોરીને 400 કરોડ રૂપિયાનું નુક્સાન પહોંચાડ્યું હતું. આ કૌભાંડ બાદ પુરષોત્તમ સોલંકી સામે કોઇ પગલા સરકાર દ્વાર નહીં લેવામાં આવતા વિરોધપક્ષે જબરો વિરોધ કર્યો હતો. જો કે, સરકાર ટસથી મસ થઇ નહોતી.

ડિસેમ્બરમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીમાં તમામનું ધ્યાન ભાવનગરની ગ્રામ્ય બેઠક પર વિશેષ જોવા મળશે. નવીદિલ્હી ખાતે મળેલી બેઠકમાં ભાવનગર ગ્રામ્યની બેઠકને લઇને જે ચાલ ચાલવામાં આવી છે, તેના પરથી એ કહેવામાં અતિશયોક્તિ નથી કે મોદીએ એક તીરથી બે નિશાન તાંક્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે મોદીની ચાલનો ભોગ કોણ બનશે પુરષોત્ત સોલંકી અને શક્તિસિંહ ગોહિલ.

English summary
gujarat assembly election in december and both main party bjp and congress anounce its candidate list, tough fight on bhavnagar gramya seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X