Surendranagar News : સુરેન્દ્રનગરના સમઢીયાળામાં ડબલ મર્ડર, જાતિવાદે લીધો બે લોકોનો ભોગ
Surendranagar News : સુરેન્દ્રનગરમાં જાતિવાદ પોતાના ચરમ પર છે. જાતિવાદની ઘટના છાસવારે સામે આવતી રહે છે. આવામાં જાતિવાદે બે લોકોનો ભોગ લીધો છે.
દબંગ જાતિના લોકોએ ખેતરમાં કામ કરી રહેલા બે પિતરાઇ ભાઇઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

આ ચોંકાવનારો કિસ્સો ચુડા સમઢીયાળા ગામનો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, બે પિતરાઈ ભાઈઓ મનોજ પરમાર અને લાલજી પરમાર પોતાના ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા. જે દરમિયાન દબંગ જાતિના એક હથિયારધારી લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું, અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા.
આ દરમિયાન બંને પક્ષના કેટલાક વધુ લોકો ત્યાં આવ્યા હતા. થોડી જ વારમાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. જેમાં દબંગ જાતિના લોકો તલવારો અને ભાલા સાથે હુમલો કર્યો હતો. તિક્ષ્ણ હથિયાર વડે હુમલામાં કેટલાય લોકો ઘાયલ થયા હતા.
મનોજ પરમાર અને લાલજી પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત અથડામણમાં ત્રણથી ચાર લોકો ઘાયલ પણ થયા છે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે, હિંસામાં સામેલ લોકો અલગ અલગ જાતિના હતા.
પોલીસે હિંસક અથડામણના સંદર્ભમાં કેસ નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓમાં પિતા-પુત્ર અને ભાઈઓ સામે પણ ગુનો નોંધ્યો છે. આવા સમયે, આ ઘટના બાદ મૃતકના સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સાવચેતીના ભાગરૂપે પોલીસે ગામમાં નાકાબંધી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં જાતિવાદ ચરમ પર છે. જાતિવાદને કારણે લાખો લોકો અત્યાચારનો ભોગ બને છે. જે માટે અલગ કલમો અને સજાની જોગવાઇ છે. તેમ છતા હત્યા અને અત્યાચારની ઘટના રોકાવનું નામ લેતી નથી. આ રોકવા માટે રાજકીય સાથે સાથે સામાજિક પ્રયાસો કરવા પણ જરૂરી છે.
ગુજરાતમાં બનેલી કેટલીક જાતિવાદની અન્ય ઘટનાઓ
22 ફેબ્રુઆરી, 2020 - વિદ્યાર્થિનીઓ સાથે જાતિવાદ - રાજકોટના ઉપલેટાની શાળામાં દલિત વિદ્યાર્થી પ્રત્યે જાતિગત ભેદભાવની ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીઓ સાથે જાતીય ભેદભાવ રાખવાનો આરોપ લાગ્યો છે. શિક્ષક દ્વારા જાત-પાતને લઇ માસુમ બાળકીઓનુ અપમાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની વારંવારની ઘટના બાદ અનેક સવાલ ઉભા થયા છે કે જો શિક્ષકોને ક્લાસમાં ભણાવવાનું કામ છે, તો જાતિવાદ કેમ?
1 સપ્ટેમ્બર, 2019 - દલિત શિક્ષકો સાથે પણ થાય છે ભેદભાવ - ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા કન્હૈયાલાલ બરૈયાએ શાળાનાં આચાર્ય મનસંગ રાઠોડ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે આચાર્યએ સ્કૂલમાં બે ઘડા રાખ્યા હતાં.
એક તેઓનાં પોતાનાં માટે કારણકે તેઓ વાલ્મિકી સમાજના છે અને બીજો ઘડો ત્રણ શિક્ષકો માટે કે જેઓ કોળી, પટેલ અને દરબાર સમુદાયમાંથી આવે છે. જ્યારે રાઠોડને ખબર પડી કે તેણે ઉચ્ચ જાતિના શિક્ષકો માટે રાખેલા ઘડામાંથી પાણી પીધું છે તો 3 જુલાઈનાં રોજ બારૈયાને નોટિસ આપી દીધી. નોટિસમાં જણાવ્યું હતું કે ઉચ્ચ જાતિના શિક્ષકોના ઘડામાંથી પાણી ન પીવામાં આવે.
ત્યારબાદ 14 ઓગસ્ટે આ કેસમાં બારૈયા દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી હતી જેનાં બે અઠવાડિયા પછી બારૈયાની બીજી શાળામાં બદલી કરી દેવાઈ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ મામલે આચાર્ય મનસંગ રાઠોડને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં હિતમાં તેઓ અત્યારે કાંઈ પણ બોલવા તૈયાર નથી.












Click it and Unblock the Notifications
