રાજ્યના સરકારી ભવનોમાં સૌરઊર્જાના ઉપયોગ થકી અશ્મિભૂત ઇંધણ-પર્યાવરણની બચત
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૮-૦૯માં 'ગ્રીન ગુજરાત'ની નેમ થકી રાજ્યના સરકારી ભવનોમાં સૌરઊર્જાનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવાની પહેલ કરી હતી. સરકારી ભવનોમાં દિવસ દરમિયાન સૌથી વધુ ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી રાજ્ય સરકારે કચેરીઓની છત પર સૌર પેનલ લગાવી વીજ પેદા કરી પરંપરાગત અશ્મિભૂત ઇંધણના વપરાશ પરનું ભારણ ઘટાડ્યું છે, જે પર્યાવરણ બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થયું છે.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓની છત પર માર્ચ, ૨૦૨૩ અંતિત સુધીમાં ૨,૩૩૭ સૌર ઊર્જા પ્રણાલીઓ સ્થાપિત કરીને ૪૭,૫૯૬ કિલોવૉટ ઊર્જા પેદા કરવામાં આવી છે. જેના થકી સંબંધિત કચેરીને સૌર ઉર્જા નીતિ-૨૦૨૧ મુજબ નેટ મીટરિંગ લાભને કારણે વીજ બિલમાં ઘટાડો થાય છે. તેમજ પરંપરાગત અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં ઘટાડો થતાં વાયુ પ્રદૂષણ પણ ઘટે છે. આ કચેરીઓમાં કલેક્ટર કચેરીઓ, પ્રાંત કચેરીઓ, આઈ.ટી.આઈ, સરકારી કોલેજો અને શાળાઓ, આર.ટી.ઓ., પોલીસ સ્ટેશન, ટ્રેઝરી કચેરીઓ, જિલ્લા અદાલતો, સીએચસી, પીએચસી, સરકારી હોસ્પિટલો વગેરેનો સમાવેશ થાય છે.
સરકારી કચેરીના બિલ્ડીંગની છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે જેડા અને સંબંધિત કચેરી વચ્ચે કેટલીક પ્રક્રિયા કરવાની રહે છે. આ માટે વિવિધ સરકારી કચેરીઓ દ્વારા છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે GEDAને અરજી કરવાની રહે છે. GEDA દ્વારા વાર્ષિક ટેન્ડર પ્રસિદ્ધ કરાય છે, જેના આધારે વિક્રેતાઓનું શોર્ટલિસ્ટિંગ કરી વર્ક ઓર્ડર આપવામાં આવે છે. વર્ક ઓર્ડર બાદ જેડા દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપનીઓ નક્કી કરવામાં આવે છે અને સબંધિત સ્થળ પર સોલાર સ્થાપિત કરવાની શક્યતાઓ ચકાસવામાં આવે છે. જો સ્થળ યોગ્ય જણાય તો સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
