અતિવૃષ્ટિથી અન્નદાતાઓને કરોડોનું નુકસાન; સ્પેશિયલ રાહત પેકેજની ખેડૂતોની માગ
ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું. એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે. જેને લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાંઓ બેટમાં ફેરવાઈ ગયાં હતાં, ખેતરો તલાવડી બની ચૂક્યાં હતાં.

અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉભો પાક નિષ્ફળ થવાની ભીતી વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માગ કરી છે.
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતરિયાની આગેવાનીમાં 26 જુલાઈ 2024ના રોજ રાવલ, ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી, ખંભાળિયા પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માગ સ્પષ્ટ કરી છે.
કલેક્ટર શ્રીને અરજી આપતી વખતે પાલભાઈ આંબલિયાએ રજુઆત કરી હતી કે, તલાટીઓ દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવે છે, જેને બદલે કૃષિ વિજ્ઞાનિકો દ્વારા સર્વે થવો જોઈએ અને 33 ટકા નુકસાન કુલ જમીનમાંથી ન ગણવું જોઈએ, તેને બદલે વાવેતરના જેટલા વિઘામાં નુકસાન થયું છે તેમાંથી ટકાવારી કાઢવી જોઈએ. આ ઉપરાંત સોઈલ એક્સપર્ટ દ્વારા પણ તપાસની માગ કરી હતી.
આ બાબતે કલેક્ટરે જણાવ્યું, અમે પૂરની સ્થિતિમાં ઉભા પગે હતા, શક્ય તમામ જગ્યાએ ફુડ પેકેજ આપવામાં આવ્યાં છે અને તમારી આ માગ પ્રત્યે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે. કલેક્ટરે કૃષિ નિષ્ણાંત દ્વારા સર્વે હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું છે.
ગોરાણા ગામના ખેડૂતોનું કહેવું છે કે, અતિવૃષ્ટિને કારણે તેમના ઉભા પાકને તો નુકસાન થયું જ છે, સાથે જ તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે. નદી કાંઠાના અનેક ઘરને નુકસાન પહોંચ્યું છે, કોઈના દાણા પલળી ગયા છે, કોઈના ફર્નિચર તણાઈ ગયાં છે તો કોઈના ઘર જ જમીનદોસ્ત થઇ ગયાં છે.
વીડિયો અહીં જુઓ












Click it and Unblock the Notifications
