Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદિપ પુરી રહ્યા હાજર

'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરીષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારતા જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે.

HARDEEP PURI

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે દેશના વિભિન્ન ભાગો એકબીજાને મળી સંસ્કૃતિ, સાહિત્ય, ખાનપાન અને વિચારોનું સતત આદાન-પ્રદાન કરે જેથી રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરી શકાય. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાતન અને સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એક છે. 'કાશી - તામિલ સંગમ', ' સૌરાષ્ટ્ર તમિલ સંગમ' જેવા કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ પ્રદેશો વચ્ચેના સંબંધો અને એમ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાની નેમ સાર્થક કરી છે. ભારતના વિવિધ પ્રદેશો સદીઓથી એકબીજા સાથે વિવિઘ રીતે જોડાયેલા છે. મંત્રીએ અંગત અનુભવ વ્યક્ત કરતા કહ્યું હતું કે પોતે શીખ છે અને પત્ની મૂળ મહારાષ્ટ્રીયન છે તો તેમની દિકરીના લગ્ન તમિલ પરિવારમાં થયા છે. તેઓ દરેક સંસ્કૃતિ અને રાજ્યની ઓળખને માટે સમાન ગર્વની અનુભૂતિ કરે છે. ભારતીય સંસ્કૃતિ વિવિધ સંપ્રદાયો અને વિવિધ સ્થાનિક સંસ્કૃતિઓના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

મંત્રીએ તમિલનાડુના વિવિધ અગ્રણીઓના પ્રદાનને યાદ કરતા ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય અને લોકશાહીના મૂળ તમિલનાડુની સંસ્કૃતિમાં જોવા મળે છે. વધુમાં કાંચીપુરમ પાસેના ચૌલાવંશ સમયના આરોગ્યલક્ષી બાબતોના પ્રદાનને, સાહિત્યમાં સુબ્રહ્મણ્યમ ભારતીના પ્રદાનને અને ચતુરંગાને, છઠ્ઠી અને સાતમી સદીમાં સ્થાનિક ક્ષેત્રમાં કુથિરાનેલુ અને સંગમ સાહિત્યમાંના અન્ન અને જૂની ગ્રામ સંસ્કૃતિ વિશેના મળતા સંદર્ભો તેમણે પ્રસ્તુત કર્યા હતા.

રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી બંને સભ્યતાઓ વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન તેમ જ વ્યવસાયિક સમન્વય વધશે, જે બંને સંસ્કૃતિઓને વધુ સમૃદ્ધ બનાવશે. સદીઓ પહેલાં વતનથી વિખૂટા પડેલા સૌરાષ્ટ્રીયનોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાના અને બંને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ પ્રગાઢ બનાવવાના વડાપ્રધાનના ઉત્તમ વિચારના પરિણામે આ 'તમિલ સંગમ'નો કાર્યક્ર્મ આકાર પામ્યો છે. તેઓએ તમિલ ચહેરાઓને સોમનાથમાં જોઈને આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી. ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ થયેલ કાર્યક્રમમાં મદુરાઈ ખાતે કેબિનેટ મિનિસ્ટરોની મુલાકાત યોજાઇ હતી તે વખતના ઉષ્માભર્યા સ્વાગતની અનુભૂતિની યાદોને તાજા કરતા તમામ તમિલ બંધુઓને આ પ્રવાસ ફળદાયી, આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્રીયન તામિલો સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ભારતના અલગ અલગ રાજ્યના લોકોમાં અનેક ભિન્નતાઓ વચ્ચે ભારતીયતા અને ભક્તિનો સમાન ભાવ વસેલો છે, જે તેમને એકબીજા સાથે જોડાયેલા રાખે છે. તેમના હૃદયમાં ભારત વસેલું છે. આપણા રાજ્યોમાં ભાષાઓ અલગ બોલાય છે. તેમની વચ્ચે ભૌગોલિક અંતર પણ છે પરંતુ ભક્તિનો ભાવ સર્વત્ર એક છે. અલગ - અલગ રાજ્યના લોકોના પહેરવેશ, ખાનપાન, રીતભાત વગેરે અલગ છે પણ ભગવાનમાં શ્રદ્ધા બધાને સરખી છે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના વિચારને અનુરૂપ ભારતના નિર્માણ માટે 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ એક શુભ શરૂઆત છે. ભવિષ્યમાં આવા કાર્યક્રમોને વધુ વિસ્તાર આપવામાં આવશે. મંત્રીએ તમિલનાડુવાસી સૌરાષ્ટ્રીયનોને અહીંની માટી અને પાણી તમિલનાડુ લઈ જવા અને ત્યાંથી તમિલનાડુની માટી અને પાણી સોમનાથ મોકલી આપણી માટી એક છે સમગ્ર રાષ્ટ્ર એક છેની વિભાવનાને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત શાલ તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ચેતન ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

નેતાઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો અને તમિલ પ્રવાસીઓએ સાંસ્કૃતિક સંગમ, શૈક્ષણિક આદાન પ્રદાન, એકબીજાના ભાષાકીય શિક્ષણની શરૂઆત, દરિયાકિનારો અને ફિશરીઝ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે સમાનતાઓ વગેરે વિષય પર વાર્તાલાપ કર્યો હતો. મંત્રીશ્રીઓ સાથેના વાર્તાલાપમાં તમિલ મહેમાનોએ આપણી સંસ્કૃતિ વચ્ચે જૂની સામ્યતા છે એવુ જણાવી સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિ વિશેના કાર્યક્રમો વારંવાર યોજાતા રહે અને ત્યાં પણ આ સંદર્ભને વેગવાન બનાવવા માટે યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવે એવો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને માતૃભૂમિની મુલાકાત લેવાની તક મળી એ બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવાસી તામિલ મહેમાનોએ સુરત થી વેરાવળ સુધી સમગ્ર રસ્તે ભાવભર્યા સ્વાગત અને સુંદર વ્યવસ્થા બદલ ભાવપૂર્વક રાજ્ય સરકાર અને આઇ.આર. સી.ટી.સી.નો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્ર્મ દરમ્યાન વરિષ્ઠ તમિલ પ્રોફેસર દામોદરને ઉપસ્થિતો માટે તમિલમાં ભાષાંતર કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્રિયન તમિલો સહિત સ્થાનિક લોકોએ એકસાથે રાષ્ટ્રગાન કર્યું ત્યારે સુંદર દ્રશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર તમિલ સમુદાયના લોકોએ મંત્રીઓને સન્માનિત કરી યાદગીરી રૂપે ભેટ અર્પણ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X