ગુજરાતમાં માવઠાએ માઝા મુકી, કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર
ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માહોલ સર્જાયો છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોને હેરાન કર્યા છે. ભરશિયાળે વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છના વાતાવરણમાં અણધાર્યો પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના રાપર પંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ અસર ભુજ શહેર, તેના ગ્રામ્ય વિસ્તારો, ગાંધીધામ કોમ્પ્લેક્સ, નખત્રાણાના ઢોરો વિસ્તાર અને ભચાઉના ચોબારી સહિતના ગામોમાં જોવા મળી, જ્યાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
કચ્છ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
આ અણધાર્યા વાતાવરણ પલટાને કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં ઉભા જીરું, ધાણા અને ઘઉં જેવા શિયાળુ પાકો પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો વરસાદનું જોર વધે તો પાકને વ્યાપક નુકસાન અને ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે, જે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ચાલુ રહી શકે છે. જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સર્જાયો છે.












Click it and Unblock the Notifications
