
'પદ્માવત' ફિલ્મ ગુજરાતમાં દર્શાવવા હાઇકોર્ટમાં રિટ દાખલ
સંજય ભણસાલી નિર્મિત 'પદ્માવત' ફિલ્મને ગુજરાતમાં દર્શાવવા માટે જરૂરી સુરક્ષા પૂરી પાડવા અને સત્તાવાળાઓને નિર્દેશો આપવા ફિલ્મ રિલીઝના હક ધરાવતી કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી છે અને તેની તાત્કાલિક સુનાવણી હાથ ધરાય તે માટે કોર્ટને વિનંતી કરી છે. આ રિટની સુનાવણી શુક્રવારે હાથ ધરાય તેવી સંભાવના છે. પદ્માવતી રાણીના જીવન પર આધારિત ફિલ્મ 'પદ્માવત' ગુજરાતમાં દર્શાવવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. રાજપૂત સમાજ અને કરણી સેનાએ તેનો વિરોધ કર્યો છે અને આ વિરોધના પગલે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અમદાવાદ શહેરમાં પાંચ જેટલા મલ્ટીપ્લેક્સ ભારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. જે પછી ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખતા ફિલ્મ રીલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે આ ફિલ્મના રિલીઝના હક ધરાવતી વાયકોમ કંપનીએ હાઇકોર્ટમાં રિટ કરી છે અને ફિલ્મ દર્શાવી શકાય તે માટે મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો અને થિયેટર માલિકોને જરૂરી રક્ષણ પૂરૃં પાડવામાં આવે તે માટે નિર્દેશો આપવા દાદ માગી છે. આ ફિલ્મ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રિલીઝ નથી થઇ. આ સિવાયના રાજ્યોમાં તેનું બોક્સઓફિસ કલેક્શન રેકોર્ડ બ્રેકિંગ છે, વિદેશમાં ફિલ્મ ભરપૂર કમાણી કરી રહી છે. કરણી સેનાના ઉગ્ર વિરોધ બાદ ફિલ્મમાં વિવિધ પરિવર્તનો કરવામાં આવ્યા છે, 300 કટ્સ મારવામા આવ્યા છે અને ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી બદલીને 'પદ્માવત' કરવામાં આવ્યું છે. આમ છતાં, કરણી સેનાએ વિરોધ ચાલુ રાખતાં આખરે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહોતી થઇ.