જાણો : ચીનના રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત સમયે કયા MoU સાઇન કરાશે?
અમદાવાદ, 10 સપ્ટેમ્બર : ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે કોઇપણ વિદેશી રાષ્ટ્રપતિ દિલ્હી જવાને બદલે સીધા ગુજરાત આવે. આગામી 16 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ સીધા અમદાવાદ આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે.
ભારતના ચાર દિવસના પ્રવાસે આવી રહેલા જિનપિંગ ગુજરાતમાં બે દિવસ ગાળવાના છે. જેમાં 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ક્ઝી જિનપિંગ તેમનો સાથ આપશે.
જિનપિંગની ગુજરાત મુલાકાત દરમિયાન કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ - MoU) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ એમઓયુ કયા ક્ષેત્રના હશે તે અંગે પ્રાપ્ત માહિતી પર એક નજર કરીએ...

કયા સેક્ટરમાં MoU કરાશે?
ચીનના રાષ્ટ્રપતિ કઝી જિનપિંગ અને તેમની સાથેના ચાઇનીઝ પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદની મુલાકાત દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાંક વોટર પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડી પ્રોજેક્ટના શૈક્ષણિક આદાન પ્રદાન માટે MoU કરી શકે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક MoU સાઇન કરી શકે છે.

ચીન સાણંદમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા કરાર કરશે
જિનપિંગ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા અને નેનો પ્લાન્ટને કારણે જાણીતા બનેલા સાણંદમાં એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ સાઇન કરાશે. આ પાર્ક 5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સ્થપાશે. જેમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ઉત્પાદકો કામ કરશે.

સિસ્ટર સિટી કોન્ટ્રાક્ટ
ચીન સાથેના એમઓયુમાં ચીનના કેટલાક શહેરોના મોડેલ ગુજરાતમાં અમલી બનાવવા માટે સિસ્ટર સીટી પ્રકારના કરાર કરવામાં આવશે. જે માટે પ્રોજેક્ટોના આદાનપ્રદાન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ ચીનના નિશ્ચિત શહેરના મેયર અને અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાતે આવશે અને જે તે પ્રોજેક્ટના અમલ નિયત સમયની કામગીરી અને સફળતા સહિતની બાબતોનો અભ્યાસ કરી એકમેકના વિચારોનું આદાનપ્રદાન કરશે.

સંકલિત બાળ વિકાસ માટે પણ MoU
ચીનનું પ્રતિનિધિમંડળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસાથે MoU કરશે. જેમાં સૌથી વધુ મહત્વ સંકલિત બાળવિકાસ યોજનાને આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અમદાવાદના ઝુંપડા તથા ચાલીઓ વિગેરે પછાત વિસ્તારોમાં રહેતાં પરિવારના બાળકો માટે 2034 આંગણવાડીઓ ચલાવવા ઉપરાંત માતૃબાળ કલ્યાણ, રેફરલ હોસ્પિટલ, પૂરક પોષણ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સેવાઓનો લાભ આપવામાં આવે છે.

સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ MoU
અમદાવાદના લોકપ્રિય બનેલા સાબરમતી રિવરફ્રન્ટ, અર્બન હેલ્થ સેન્ટર, પાણી પુરવઠા યોજના સહિત અન્ય કેટલીક સામાજિક સેવાઓને જોડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજનાઓ માટે પણ ચીનનો સહકાર લેવા માટે MoU કરાશે.

ગુજરાત સરકારે MoU સંદર્ભે ચર્ચા કરી
ચીન સાથે કેવા MoU કરવા જોઇએ તેની તૈયારીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને મુખ્ય સચિવ વરેશ સિંહાએ અન્ય વરિષ્ઠ સચિવો અને કમિશ્નર્સ સાથે ગાંધીનગર ખાતે વિગતવાર ચર્ચા પણ કરી હતી. MoU સંબંધિત તમામ બાબતોને એકાદ બે દિવસમાં આખરીઓપ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
