મહિલા સશક્તિકણનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે આ સીદી આદિવાસી મહિલા
આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી ચાહે એ કરવા સક્ષમ છે અને તેની આ તાકાત થકી જ તે સફળતાનો પરચમ લહેરાવી શકે છે. પછી એ સ્ત્રી સાક્ષર હોય કે નિરક્ષર-તેને આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી. ગુજરાતના ગીર સોમનાથની આવી જ સબળ આદિવાસી સીદી મહિલા હિરબાઇ વિશે જાણીએ મહિલા વીક નિમિત્તે...
જે કર ઝૂલાવે પારણું તે જગત પર શાસન કરે.. આ ઉક્તિ સાર્થક થતી જોવા મળે છે સાસણ ગીરના જંગલ વચ્ચે આવેલા જામ્બુર ગામના આદિવાસી સીદી મહિલા હિરબાઈ લોબી ઇબ્રાહિમને મળીને. પછાત અને અશિક્ષિત જાતિના હોવા છતાં તેમણે અન્ય મહિલાઓને આગળ લાવવા ભારે પરિશ્રમ કર્યો. હિરબાઈ એવી મહિલા છે જે પોતે તો નહોતા ભણી શક્યા પરંતુ ણે આદિમાનવની જેમ જીવતી પોતાના જેવી જ મહિલાઓને ભણાવવાનું બીડું ઝડપ્યું અને મહિલાઓને સહકારી બેન્ક, શાળા,કમ્પ્યૂટર જગતથી રૂબરૂ કરાવ્યા અને વિકાસની રાહ બતાવી.
જોકે હિરબાઇની આ સફર આટલી સરળ નહોતી. રૂઢિગત વાતાવરણમાંથી મહિલાઓને બહાર લાવીને ગામમાં જ શાળા ખોલી ભણાવવાનું શરૂ કર્યું, ફક્ત લાકડા કાપીને ગુજારો કરતી સ્ત્રીઓને ખાતર બનાવવાનું શિખવાડ્યું અને 10 રૂપિયા જેવી નજીવી રકમથી બચત કરવાનું પણ શીખવ્યું અને નાતજાતની સીમાને તોડતા મહિલાઓને ડરનો સામનો કરતા તેમજ આર્થિક રીતે પગભર થતા શીખવ્યું
અંતરિયાળ વિસ્તારમાંથી વિશ્વસ્તરે પોતાના કામથી ખ્યાતિ મેળવનારા હિરબાઈએ રેડિયો સાંભળી સાંભળીને કેવી રીતે કામને આગળ વધારવું તેની પ્રેરણા મેળવી હતી. જેના માટે તેઓએ આકાશવાણીનો આભાર માન્યો હતો. હિરબાઇએ સીદી મહિલાઓને બચતનું મૂલ્ય સમજાવીને તાલાલા ઉપરાંત શિરવાન, ગિર હડમતિયા, જાવંત્રી, સુરવા મોરૂકા, સંગોદ્ર ગામ સહિત આખા વિસ્તારની બહેનોને બચત કરતા શીખવ્યું તેમણે 700 કરતાં પણ વધુ મહિલાઓને પગભર બનાવી છે.
પોતાના આ કાર્ય માટે રિલાયન્સનો રિયલ હિરો એવોર્ડ, જાનકી દેવી બજાજ એવોર્ડ, વુમન્સ વર્લ્ડ સમિટ નેધરલેન્ડ તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે. આવા અનેક માન અકરામ મેળવી ચૂકેલા હિરબાઈ એ બાબતનું ઉદાહરણ છે કે મહિલા સાક્ષર હોય કે નિરક્ષર પરંતુ તે ધારે તો આર્ષ દ્રષ્ટા બની સહુના વિકાસમાં સહભાગી બની શકે છે અને કાર્યેષુ મંત્રીની ઉપમાને ખરેખર સાર્થક કરે છે.