ગુજરાતમાં બે દિવસ હીટ વેવની આગાહી, યલો એલર્ટ જાહેર, તાપમાન ચાર ડિગ્રી વધી શકે
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર, સોમનાથ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે. આગામી 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 24 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ગઈ કાલે દિવસ દરમિયાન 38.9 ડિગ્રી સાથે સાસણ ગીરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 36.9 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી 14થી 16 માર્ચ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી સંભાવના છે. રાજ્યમાં કાલે દિવસ દરમિયાન ભાવનગરમાં 36.3, વડોદરામાં 36.6, ગાંધીનગર-ડીસા-પાટણમાં 36.8, સુરત-જૂનાગઢ-અમેરીલીમાં 37.4, રાજકોટમાં 38.3, નલિયામાં 38.4, ભૂજ-કંડલા-પોરબંદરમાં 38.6ડિગ્રીએ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. આમ રાજ્યના નવ શહેરમાં 37 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ હતુ.
ગુજરાતમાં હાલમાં હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરુઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી જ ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ હતુ અને ક્યાંક કમોસમી વરસાદ પણ પડ્યો હતો.












Click it and Unblock the Notifications
