સાકાર થઈ શકે છે યોગથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત@2047નુ સપનુ
2047માં આઝાદીના 100 વર્ષની ઉજવણી દરમિયાન દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે.
આ પ્રયાસમાં યોગ એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. જો ગુજરાત અને ભારતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય, તો યોગ સૌથી મજબૂત આધારસ્તંભ બની શકે છે.

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેણે યોગને વિશ્વના દરેક ખૂણામાં પહોંચાડ્યો છે. યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ એક સંપૂર્ણ જીવનશૈલી છે. તે વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારવાથી લઈને રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત બનાવવા, સમાજમાં શાંતિ લાવવા અને ભારતને આધ્યાત્મિક નેતૃત્વ પ્રદાન કરવા સુધીના અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
આજે આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને કેન્સર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરીએ છીએ. આ રોગોનું મુખ્ય કારણ અસંતુલિત જીવનશૈલી અને તણાવ છે. જો દરેક નાગરિક નિયમિત યોગ અપનાવે તો આ બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
યોગ કરવાથી શરીર મજબૂત બને છે, મન શાંત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેના પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટશે અને દવાઓ પરનો ખર્ચ બચાવી શકાશે, જેનો ઉપયોગ અન્ય વિકાસ કાર્યોમાં કરી શકાશે.
આજના યુગમાં મોબાઈલની લત અને સ્પર્ધાત્મક દબાણને કારણે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને યાદશક્તિ ઘટી રહી છે. યોગ અને પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓનું મન સ્થિર બને છે, યાદશક્તિ અને એકાગ્રતાનો વિકાસ થાય છે. આનાથી શિક્ષણની ગુણવત્તા વધશે અને સંશોધન, નવા જ્ઞાન અને નવી શોધોને વેગ મળશે, જે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે.
કોઈ પણ ઉદ્યોગની સાચી તાકાત તેના કર્મચારીઓ છે. તંદુરસ્ત કર્મચારીઓ ઉત્પાદન ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. યોગ કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે સ્થિર રાખે છે. નિયમિત યોગ કરનાર કર્મચારીઓ ઓછા બીમાર પડે છે, જેનાથી રજાઓ ઘટે છે. કાર્યસ્થળ પર શિસ્ત, ઉત્સાહ અને ટીમ વર્ક વધે છે. આનાથી ઉત્પાદન અને નિકાસમાં વધારો થાય છે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને છે.
આજકાલ સમાજમાં વધી રહેલી હિંસા, અપરાધ અને તણાવનું મૂળ કારણ મનનું અસંતુલન છે. યોગ મનને શાંતિ આપે છે, વિચારશક્તિ સ્પષ્ટ કરે છે અને વ્યક્તિને વધુ ધીરજવાન બનાવે છે. યુવાનો જો યોગને અપનાવે, તો તેઓ નશાખોરી, ગુનાઓ અને હતાશાથી દૂર રહી શકે છે. યોગ વ્યક્તિને સમજદારીપૂર્વક વર્તવાનું શીખવે છે, જેનાથી કુટુંબ અને સમાજમાં શાંતિ અને એકતા વધે છે.
ભારત હંમેશા વિશ્વને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવતો આવ્યો છે. આજે જ્યારે વિશ્વ તણાવ અને યુદ્ધ જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, ત્યારે ભારત પાસે વિશ્વને સાચો માર્ગ બતાવવાની તક છે. યોગ દ્વારા આત્મજાગૃતિ, આંતરિક શાંતિ, પ્રેમ અને કરુણા જાગૃત થાય છે. જો કરોડો ભારતીયો યોગથી પ્રેરિત થશે, તો ભારત વિશ્વગુરુ તરીકે ઉભરી આવશે અને સમગ્ર માનવજાતનું માર્ગદર્શન કરશે.












Click it and Unblock the Notifications
