ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો
ભારતની જાણીતી ફૂડ ડિલિવરી એપ Zomato દ્વારા પ્લેટફોર્મ ફીમાં ફરી એકવાર ધરખમ વધારો કરવામાં આવ્યો છે. 20 માર્ચ 2026થી આ નવા દરો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધશે. હવેથી ગ્રાહકોએ દરેક ઓર્ડર પર અગાઉ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે, જેની સીધી અસર બજેટ પર પડશે.

કંપનીએ પ્લેટફોર્મ ફીમાં અંદાજે 19.2% જેટલો મોટો વધારો ઝીંક્યો હોવાનું રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. હવે પ્રતિ ઓર્ડર 12.50ના બદલે ગ્રાહકોએ 14.90 (GST સિવાય) પ્લેટફોર્મ ફી તરીકે આપવાના રહેશે. છેલ્લા છ મહિનામાં આ બીજો વધારો છે, જે સપ્ટેમ્બર 2025 પછી કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના વધતા ભાવ અને ઓપરેટિંગ ખર્ચમાં થયેલા ઉછાળાને આ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા કંપનીએ આ નિર્ણય લીધો છે. આ ભાવ વધારો કંપનીની નફાકારકતા સુધારવા અને બિઝનેસ મોડેલને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે.
Zomatoની પ્રતિસ્પર્ધી કંપની Swiggy પણ હાલમાં લગભગ 14.99 જેટલી પ્લેટફોર્મ ફી વસૂલી રહી છે. બંને દિગ્ગજ કંપનીઓ સમાન પ્રાઇસિંગ પોલિસી અપનાવી રહી હોવાથી ગ્રાહકો પાસે હવે મર્યાદિત વિકલ્પો બચ્યા છે. નાના ઓર્ડર એટલે કે 150 થી 300ની કિંમતના ભોજન પર આ વધારાની અસર વધુ જોવા મળશે.
નોંધનીય છે કે Zomato Gold મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકોએ પણ આ પ્લેટફોર્મ ફી તો ચૂકવવી જ પડશે. પ્લેટફોર્મ ફી એ ડિલિવરી ચાર્જથી અલગ હોય છે, જે એપના મેન્ટેનન્સ અને સર્વિસ ચલાવવા માટે લેવાય છે. રોજના લાખો ઓર્ડરને કારણે આ સામાન્ય લાગતો વધારો કંપની માટે કરોડોની વધારાની આવક ઉભી કરશે.
બીજી તરફ Rapido જેવી નવી કંપનીઓ 'Ownly' સર્વિસ સાથે પ્લેટફોર્મ ફી વગર સેવા આપવાનો દાવો કરી રહી છે. આવા સમયમાં ગ્રાહકો મોંઘા પ્લેટફોર્મ પર ટકી રહેશે કે સસ્તા વિકલ્પો શોધશે તે જોવું રસપ્રદ રહેશે. વધતી મોંઘવારી વચ્ચે ફૂડ ડિલિવરી માર્કેટમાં આવનારા સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
